આરાસુરી જગતજનની માં અંબાના ધામ અંબાજી ખાતે યોજાનારા ભાદરવી પૂનમના મહામેળાને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે માં અંબેના દર્શનાર્થે જતા અસંખ્ય પદયાત્રીઓનો અવિરત પ્રવાહ શરૂ થસે . આ પદયાત્રીઓની નિઃસ્વાર્થ સેવા કરવાના પરમ હેતુ સાથે મોડાસાના જાગૃત પત્રકારોની સંસ્થા ઇલેક્ટ્રોનિક્સ મીડિયા એસોસિએશન (EMA) દ્વારા એક ભવ્ય ‘પદયાત્રી વિસામો’ (સેવા કેમ્પ) નું આયોજન કરવામાં આવ્યું છે.
૬ દિવસ સુધી સતત ચાલશે સેવા યજ્ઞ: : મોડાસાના શામળાજી રોડ પર આવેલા એટલાન્ટા સિનેમા ખાતે આ વિસામો આગામી ૧૭/૦૯/૨૦૨૬, ગુરુવાર ના રોજ ભક્તિસભર માહોલમાં ખુલ્લો મૂકવામાં આવશે. આ સેવા કેમ્પ સતત ૬ દિવસ સુધી રાત-દિવસ કાર્યરત રહેશે અને ૨૨/૦૯/૨૦૨૬, મંગળવાર ના રોજ સેવા યજ્ઞની પૂર્ણાહુતિ થશે.
શામળાજી માર્ગ પરથી પસાર થતા હજારો પદયાત્રીઓ શારીરિક થાક ઉતારી શકે તે માટે વિસામામાં આરામદાયક ગાદલા-પથારી, ગરમ અને ઠંડા પીણાં, પૌષ્ટિક નાસ્તો તેમજ અને પ્રાથમિક તબીબી સહાયની સુંદર વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. EMA એસોસિએશનના હોદ્દેદારો અને સભ્યો દ્વારા તમામ પદયાત્રીઓને ‘જય અંબે’ ના નાદ સાથે આ સેવાનો લાભ લેવા અને પોતાની પદયાત્રા સુખરૂપ પૂર્ણ કરવા ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.






