અરવલ્લી જિલ્લામાં પવિત્ર શ્રાવણ માસના પ્રથમ સોમવારે શિવભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. વહેલી સવારથી જ મોડાસા સહિત જિલ્લાના વિવિધ શિવાલયોમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો દર્શન અને પૂજા-અર્ચના માટે ઉમટી પડ્યા હતા. શિવાલયોમાં ‘ૐ નમઃ શિવાય’ના નાદ અને હર હર મહાદેવના જયઘોષથી સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું.
શ્રાવણ માસ ભગવાન શિવની આરાધના માટે વિશેષ પવિત્ર માનવામાં આવે છે. પ્રથમ સોમવારના પવિત્ર દિવસે ભક્તોએ શિવલિંગ પર જળ, દૂધ, બીલીપત્ર સહિતની પૂજા સામગ્રી અર્પણ કરી ભોળાનાથની પૂજા-અર્ચના કરી હતી. અનેક ભક્તોએ ઉપવાસ રાખી પરિવારના સુખ, શાંતિ અને સમૃદ્ધિ માટે ભગવાન શિવને પ્રાર્થના કરી હતી.
મોડાસા શહેરના કાશી વિશ્વનાથ મહાદેવ મંદિરથી લઈને માઝુમકાંઠે આવેલા ગેબીનાથ મહાદેવ મંદિર, મોટી ઇસરોલના મોટેશ્વર મહાદેવ, પંચ મહેશ્વર-વડેશ્વર મહાદેવ, પાલ્લા નજીક આવેલા રુદ્રેશ્વર મહાદેવ સહિતના વિવિધ શિવાલયોમાં સવારથી જ ભક્તોની લાંબી કતારો જોવા મળી હતી.
સામાન્ય દિવસોની સરખામણીએ શ્રાવણ માસ દરમિયાન શિવ મંદિરોમાં ભક્તોની સંખ્યા વધતી હોય છે, પરંતુ શ્રાવણના સોમવારે વિશેષ ધાર્મિક મહત્વ હોવાથી મંદિરોમાં ભાવિકોની ભારે ભીડ જોવા મળી હતી. ભક્તોએ શિવલિંગ પર અભિષેક કરી બીલીપત્ર અર્પણ કરી ભક્તિભાવપૂર્વક મહાદેવના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.
શ્રાવણ માસના પ્રથમ સોમવારે અરવલ્લી જિલ્લાના શિવાલયોમાં જોવા મળેલા આ ભક્તિમય માહોલથી સમગ્ર જિલ્લો જાણે શિવમય બની ગયો હતો.






