32.9 C
Gujarat
Sunday, August 23, 2026
Home HeadLines અરવલ્લી : રખડતા ઢોરનો આતંકઃ ઈદ-એ-મિલાદના જુલુસમાં આખલા દોડ્યા, બાળકોને અડફેટે લીધા,...

અરવલ્લી : રખડતા ઢોરનો આતંકઃ ઈદ-એ-મિલાદના જુલુસમાં આખલા દોડ્યા, બાળકોને અડફેટે લીધા, અધિકારીઓ Headquarter Leave પર?

0
77

મોડાસા શહેરમાં રખડતા ઢોરના આતંકને લઈને લોકોમાં ભારે રોષ, જન પ્રતિનિધિઓના ઘરે રખડતાં ઢોર ના ટોળા લઈ જવાની ચીમકી
રોષે ભરાયેલા વ્યક્તિ નો ઑડિયો વાયરલ થતાં સવાલો

મોડાસા શહેરમાં રખડતા ઢોરનો આતંક ફરી એકવાર સામે આવ્યો છે. ઈદ-એ-મિલાદના જુલુસ દરમિયાન અચાનક આખલા દોડી આવતા જુલુસમાં જોડાયેલા બાળકો સહિત લોકોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. દોડતા આખલાઓની અડફેટે કેટલાક બાળકો આવતા તેઓને ઈજાઓ પહોંચી હોવાની માહિતી સામે આવી છે.

મોડાસા શહેરમાં છેલ્લા ઘણા સમયથી રખડતા ઢોરની સમસ્યા ગંભીર બની રહી છે. શહેરના વિવિધ વિસ્તારોમાં રસ્તાઓ પર અવાર – નવાર રખડતા ઢોરના ટોળા જોવા મળે છે. ત્રણ દિવસ પહેલા પણ રખડતા ઢોરની અડફેટે એક બાળકને ગંભીર ઇજાઓ પહોંચી હોવાની ઘટના સામે આવી હતી. તેમ છતાં તંત્ર દ્વારા અસરકારક કાર્યવાહી કરવામાં આવી રહી છે કે કેમ તે અંગે સવાલો ઉઠી રહ્યા છે.

ઈદ-એ-મિલાદના જુલુસ દરમિયાન બનેલી ઘટનાએ ફરી એકવાર મોડાસા શહેરમાં રખડતા ઢોરના પ્રશ્નને ઉજાગર કર્યો છે. જુલુસ જેવા મોટા જાહેર કાર્યક્રમમાં પણ જો રખડતા ઢોર ઘૂસી જઈ લોકોની સુરક્ષા માટે જોખમ ઊભું કરે તો જવાબદારી કોની? તેવો સવાલ લોકોમાં ઉઠી રહ્યો છે.

બીજી તરફ, અરવલ્લી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અધિકારીઓને હેડક્વાર્ટર ન છોડવા અંગેના આદેશો કરવામાં આવ્યા હોવા છતાં મેદાન પર આવી ગંભીર ઘટનાઓ પર અંકુશ લાવવા માટે જવાબદારી નક્કી થાય છે કે નહીં તે પણ ચર્ચાનો વિષય બન્યો છે. જો સંબંધિત અધિકારીઓ હેડક્વાર્ટર પર હાજર ન હોય અથવા રજા પર હોય તો આવી પરિસ્થિતિમાં જવાબદારી કોની રહેશે તેવો પણ સવાલ ઉઠી રહ્યો છે.

મોડાસા શહેરમાં વારંવાર રખડતા ઢોરનો આતંક જોવા મળી રહ્યો છે. તેમ છતાં આ ગંભીર સમસ્યા અંગે અરવલ્લી જિલ્લા વહીવટી તંત્ર અને મોડાસા નગરપાલિકા દ્વારા કાયમી ઉકેલ માટે શું કાર્યવાહી કરવામાં આવી રહી છે તે અંગે લોકોમાં અનેક સવાલો છે. લોકોનો સીધો સવાલ છે કે વધુ એક ગંભીર અકસ્માત કે જાનહાનિ થાય તેની રાહ જોવાઈ રહી છે કે પછી તંત્ર હવે રખડતા ઢોરની સમસ્યા સામે નક્કર કાર્યવાહી કરશે?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!