અરવલ્લી જિલ્લામાં પર્યાવરણ સંરક્ષણ, વન વિસ્તારના સંવર્ધન અને જનભાગીદારીથી હરિયાળી વધારવાના સંકલ્પ સાથે ૭૭મા વન મહોત્સવની જિલ્લા કક્ષાની ઉજવણી મેઘરજ ખાતે ઉત્સાહભેર કરવામાં આવી હતી. આદિજાતિ વિકાસ તથા અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી પી.સી.બરંડાના અધ્યક્ષસ્થાને વન મહોત્સવ ઉજવાયો. વન મહોત્સવ અંતર્ગત યોજાયેલા કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. સાથેજ જિલ્લાની વિવિધ લાભાર્થીઓને ચેક, પ્રશસ્તિપત્ર અને પ્રમાણપત્ર અર્પણ કરવામાં આવ્યાં.
આ પ્રસંગે લોકોને સંબોધિત કરતાં મંત્રી પી.સી.બરંડાએ જણાવ્યુ કે દર વર્ષે આપણે વૃક્ષો વાવી વનવિસ્તારના વિસ્તરણ માટે કામગીરી કરીએ છીએ. આ વર્ષે ૩૫ લાખથી વધુ વૃક્ષોનું વાવેતર કરવાનું આયોજન છે. એક પેડ માં કે નામ અંતર્ગત પણ મોટીસંખ્યામાં વૃક્ષોનું વાવેતર થયું છે. આજે આપણે સૌએ વધુમાં વધુ વૃક્ષો વાવી તેનું જતન-સંવર્ધન કરવાનો સંકલ્પ લેવો જોઈએ. વન મહોત્સવ માત્ર વૃક્ષારોપણ પૂરતો સીમિત ન રહે, પરંતુ વાવેલા વૃક્ષોની યોગ્ય માવજત અને સંરક્ષણ દ્વારા તેને લોકભાગીદારીના અભિયાન તરીકે આગળ વધારવા પર પણ તેમણે ભાર મૂક્યો હતો.
આ કાર્યક્રમમાં લોકોને સંબોધિત કરતા જિલ્લા પંચાયત પ્રમુખ મયુર પટેલએ સરકાર દ્વારા પર્યાવરણનું સંતુલન જાળવવામાં વૃક્ષો અને વનોની મહત્વપૂર્ણ ભૂમિકા અંગે લોકોને જણાવ્યું હતું. વધતું પ્રદૂષણ, જળસંકટ અને આબોહવામાં થઈ રહેલા ફેરફારો સામે વૃક્ષારોપણ તથા વન સંરક્ષણ મહત્વપૂર્ણ ઉપાય હોવા અંગે પણ તેમણે જણાવ્યું હતું.
અરવલ્લી જિલ્લામાં વન મહોત્સવ અંતર્ગત વિવિધ સ્થળોએ વૃક્ષારોપણ કાર્યક્રમો યોજી નાગરિકો, શાળાઓ, સંસ્થાઓ તથા વિવિધ વિભાગોને વધુમાં વધુ વૃક્ષારોપણ માટે પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યા છે. ‘વૃક્ષ વાવો, વૃક્ષ ઉછેરો અને પર્યાવરણ બચાવો’ના સંદેશ સાથે જિલ્લાને વધુ હરિયાળો અને પર્યાવરણપ્રિય બનાવવાની દિશામાં સૌને સહભાગી બનવા અપીલ કરવામાં આવી હતી.
મેઘરજ સરકારી બી.એડ કોલેજ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ મયુર પટેલ, જિલ્લા પોલીસ વડા મનોહરસિંહ જાડેજા , પ્રસાદ રવિ રાધાક્રિષ્ના, IFS નાયબ વન સંરક્ષક, કેવડીયા વિભાગ SOUADTGA, ડૉ. ડી.એફ.ગઢવી IFS, નાયબ વન સંરક્ષક સામાજિક વનીકરણ વિભાગ, સાબરકાંઠા, શ્રીકાન્ત કેલગંદ્રે IFS નાયબ વન સંરક્ષક અરવલ્લી વન વિભાગ, જિલ્લા અને તાલુકાના પદાધિકારીઓ, સામાજિક વનીકરણ વિભાગના અધિકારી, કર્મચારીઓ સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.





