ભાદરવી પૂનમના મેળાને લઈને ગુજરાતભરમાંથી મોટી સંખ્યામાં માઈભક્તો પગપાળા તેમજ વિવિધ સંઘોના રથો સાથે અંબાજી તરફ પ્રયાણ કરી રહ્યા છે. પંચમહાલ જિલ્લામાંથી પસાર થતા હાલોલ-શામળાજી હાઈવે પર પણ અંબાજી જતા માઈભક્તોનો ભારે ધસારો જોવા મળી રહ્યો છે. પગપાળા યાત્રા કરતા માઈભક્તોની સુવિધા માટે માર્ગમાં ઠેરઠેર વિસામા અને સેવા કેમ્પોનું આયોજન કરવામાં આવ્યું છે.
શહેરા તાલુકામાંથી પસાર થતા હાલોલ-શામળાજી હાઈવેને અડીને આવેલા હોસેલાવ ચોકડી પાસે બાપા સીતારામ યુવક મંડળ દ્વારા છેલ્લા દસ વર્ષથી માઈભક્તો માટે ભવ્ય વિસામાનું આયોજન કરવામાં આવે છે. આ વર્ષે આ સેવા વિસામાએ 11મા વર્ષમાં પ્રવેશ કર્યો છે. અહીં અંબાજી જતા માઈભક્તો માટે ચા-નાસ્તો, ફળો, ભોજન તેમજ પ્રાથમિક તબીબી સુવિધા સહિતની વિવિધ સેવાઓ નિસ્વાર્થ ભાવે વિનામૂલ્યે પૂરી પાડવામાં આવી રહી છે.વિસામા ખાતે સવારે માઈભક્તો માટે ચા, પૌંઆ, કેળાં સહિતના ફળો અને નાસ્તાની વ્યવસ્થા કરવામાં આવે છે. જ્યારે બપોરના સમયે દાળ-ભાત, શાક, શીરો અને બૂંદી સહિતનું ગરમાગરમ ભોજન પીરસવામાં આવે છે. લાંબી પગપાળા યાત્રા દરમિયાન થાકેલા માઈભક્તો અહીં થોડો સમય આરામ કરી થાક ઉતારે છે અને ત્યારબાદ અંબાજી તરફ આગળ વધે છે. વિવિધ સંઘોના રથો પણ અહીં થોભાવી માઈભક્તો આ સેવા વિસામાનો લાભ લે છે. આ ઉપરાંત જરૂરિયાતમંદ માઈભક્તો માટે મેડિકલ કીટ સહિતની પ્રાથમિક સારવારની સુવિધા પણ ઉપલબ્ધ કરાવવામાં આવી છે.ભાદરવી પૂનમના મેળાને લઈને દાહોદ, છોટાઉદેપુર, વડોદરા સહિતના વિવિધ જિલ્લાઓમાંથી માઈભક્તો કલાત્મક રથો સાથે ‘બોલ મારી અંબે, જય જય અંબે’ના જયઘોષ સાથે અંબાજી તરફ રવાના થયા છે. હાલોલ-શામળાજી હાઈવે પર માઈભક્તોના સંઘો અને રથોની સતત અવરજવર જોવા મળી રહી છે.
બાપા સીતારામ યુવક મંડળ દ્વારા આયોજિત આ સેવા કાર્યમાં આસપાસના ગામોના યુવાનો, વડીલો અને ગ્રામજનો પણ ઉત્સાહપૂર્વક સહભાગી બની રહ્યા છે. જાલમ બારિયાના મુવાડા, ગમન બારિયાના મુવાડા, સંભાલી, લાભી, હોસેલાવ, ભોટવા અને વાંટા વછોડા સહિત આસપાસના સાત ગામોના ગ્રામજનો સેવા કાર્યમાં જોડાઈ માઈભક્તોની સેવા કરી રહ્યા છે.છેલ્લા દસ વર્ષથી અવિરત ચાલતી આ સેવા પ્રવૃત્તિના કારણે બાપા સીતારામ વિસામો અંબાજી જતા માઈભક્તો માટે રાહત અને સેવાનું મહત્વનું કેન્દ્ર બન્યો છે. માઈભક્તોની નિસ્વાર્થ સેવા દ્વારા યુવક મંડળ અને આસપાસના ગ્રામજનો દ્વારા ભક્તિ સાથે માનવસેવાનો સુંદર સંદેશ આપવામાં આવી રહ્યો છે.





