અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના મહાદેવગ્રામ હાથિયા ડુંગરની તળેટીમાં આવેલા ગાંધીબાપુના મીની રાજઘાટ સ્મારક પર ગાંધીજીના પ્રિય ભજન ‘વૈષ્ણવ જન તો તેને રે કહીએ’ સહિત ભજનથી કરવામાં આવી હતી ગાંધીજીને પુષ્પાંજલિ અર્પણ કરવા ગ્રામજનો, શાળાના બાળકો, શિક્ષકો, કોલેજના પ્રોફેસરો તથા NSSના વિદ્યાર્થીઓ સહિત ગણ્યમાન્ય લોકો ઉપસ્થિત રહ્યા હતા. જોકે ગાંધીજીના જન્મદિવસે રાજકીય આગેવાનો અને ઉચ્ચ અધિકારીઓની ગેરહાજરી જોવા મળી હતી.
સાબરકાંઠા જીલ્લા પૂર્વ સાંસદ અને ગાંધી વિચારોના રંગે રંગાયેલા ડો. મહેન્દ્રસિંહ ચૌહાણે જણાવ્યું હતું કે,ગાંધીજીના નેતૃત્વમાં દેશને મળેલી આઝાદી એ માત્ર સત્તા પરિવર્તન માટે નહોતી, પરંતુ રામરાજ્યના સ્વપ્નને સાકાર કરવા માટે હતી. આજે પણ ગાંધીજીનું એ સ્વપ્ન સંપૂર્ણપણે પૂરું થઈ શક્યું નથી.સામાજિક કાર્યકર અને જીવદયા પ્રેમી નિલેશ જોશીએ લોકશાહી માત્ર નેતા કે અધિકારી બનવા પૂરતી નથી. લોકોની વેદનાને વાચા આપવી, સામાન્ય માણસની સમસ્યાઓને સમજવી અને તેના ઉકેલ માટે પ્રયત્ન કરવો એ જ સાચી લોકશાહી અને રામરાજ્યની ભાવના હોવાનું જણાવ્યું હતું
કબીરપંથી મહંત બાલકદાસજી હરેકૃષ્ણ ના મનુભીષ્મદાસ પ્રભુ કોલેજના પ્રોફેસર પરમાર અને દેશમુખે આજના સમયમાં સંસ્થાઓ અને વિદ્યાર્થીઓમાં ગાંધીજીના વિચારોની વાત કરવી અને નવી પેઢીને ગાંધીજીના જીવન તથા સિદ્ધાંતો સાથે જોડવા આહવાન કર્યું હતું
પુષ્પાંજલિ સભાનું સંચાલન સામાજિક કાર્યકર અમિત કવિ દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના અંતે ગામના સરપંચ પંકજસિંહે આભારવિધિ કરતાં જણાવ્યું હતું કે, મીની રાજઘાટના વધુ વિકાસ માટે સૌએ સાથે મળીને રજૂઆત કરવી જોઈએ. તેમણે જણાવ્યું કે, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા ફાળવવામાં આવેલી ગ્રાન્ટમાંથી અગાઉ મીની રાજઘાટ ખાતે કામ કરવામાં આવ્યું હતું, પરંતુ હાલ આ કામની સ્થિતિ ખરાબ થઈ ગઈ છે. તેથી તેની જરૂરી મરામત અને વિકાસના કામો ફરી હાથ ધરવા જરૂરી છે.અંતે ઉપસ્થિત મહેમાનો, ગ્રામજનો, શાળાના બાળકો તથા કોલેજના NSSના વિદ્યાર્થીઓએ મીની રાજઘાટ ખાતે બાપુની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી ગાંધીજીને શ્રદ્ધાંજલિ આપી હતી.





