ધનસુરાના કંજરી કંપામાં 80 વર્ષીય હીરાબાનું દેહદાન; જાયન્ટ્સ મોડાસાની પ્રેરણાથી 13મું દેહદાન સંપન્ન
નવરાત્રિના પવિત્ર પર્વમાં જ્યાં માતૃશક્તિની આરાધના કરવામાં આવે છે, ત્યાં ધનસુરા તાલુકાના કંજરી કંપામાં બે દીકરીઓની માતા 80 વર્ષીય હીરાબાએ દેહદાન થકી માનવસેવાનું અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું છે. મૃત્યુ બાદ પણ પોતાનો દેહ મેડિકલના વિદ્યાર્થીઓના અભ્યાસમાં ઉપયોગી બને અને ભવિષ્યમાં અનેક દર્દીઓની સેવા માટે તબીબો તૈયાર થાય તેવા ઉમદા આશય સાથે પરિવારજનોએ હીરાબાનું દેહદાન કરાવ્યું હતું. જાયન્ટ્સ મોડાસાની પ્રેરણાથી થયેલું આ 13મું દેહદાન છે.
હીરાબાની ઇચ્છા હતી કે તેમના મૃત્યુ બાદ પણ તેમનો દેહ સમાજના કામ આવે. તેમના ભત્રીજાની દીકરી ઝાયડસ કોલેજ, દાહોદ ખાતે અભ્યાસ કરતી હોવાથી મેડિકલના વિદ્યાર્થીઓને પ્રેક્ટિકલ અભ્યાસમાં મદદ મળે અને તેઓ ભવિષ્યમાં વધુ સારી રીતે દર્દીઓની સેવા કરી શકે તેવો તેમનો ઉમદા વિચાર હતો.
હીરાબાની બે દીકરીઓ મીનાબેન, ભત્રીજા હિતેશભાઈ તથા પરિવારના અન્ય સભ્યોએ તેમની અંતિમ ઇચ્છાને માન આપીને દેહદાન માટે પહેલ કરી હતી. પરિવારજનોએ જાયન્ટ્સ મોડાસાના દેહદાન-ચક્ષુદાન પ્રોજેક્ટના ચેરમેન નવીન રામાણીનો સંપર્ક કરતાં જાયન્ટ્સ ઇન્ટરનેશનલ કમિટી મેમ્બર અને જીવદયાપ્રેમી નિલેશ જોષી, ઝોન ડાયરેક્ટર પ્રવીણ પરમાર તથા પ્રમુખ અમરીશ પંડ્યાના માર્ગદર્શન અને પ્રેરણાથી દેહદાનની પ્રક્રિયા આગળ વધારવામાં આવી હતી.
પરિવારની ચક્ષુદાન કરવાની પણ ઇચ્છા હતી, પરંતુ જરૂરી સમયમર્યાદા વીતી જવાને કારણે ચક્ષુદાન શક્ય બન્યું નહોતું. તેમ છતાં દેહદાન દ્વારા મેડિકલના વિદ્યાર્થીઓના શિક્ષણમાં યોગદાન આપવાનો પરિવારનો નિર્ણય સરાહનીય રહ્યો હતો.
જાયન્ટ્સના નિલેશ જોષીએ જણાવ્યું હતું કે, નવરાત્રિમાં માતૃશક્તિની આરાધના સાથે હીરાબા અને તેમના પરિવારની માનવસેવાની ભાવના સમાજ માટે પ્રેરણારૂપ છે. દેહદાનથી મેડિકલના વિદ્યાર્થીઓને પ્રેક્ટિકલ જ્ઞાન મેળવવામાં મદદ મળશે અને ભવિષ્યમાં અનેક દર્દીઓની સેવા માટે તેઓ વધુ સક્ષમ બનશે.
જાયન્ટ્સ મોડાસા દ્વારા દેહદાન અંગે જાગૃતિ ફેલાવવાના પ્રયાસોના ભાગરૂપે આ 13મું દેહદાન સમાજમાં માનવતા, શિક્ષણ અને સેવાભાવનો સંદેશ આપતું બન્યું છે





