30.2 C
Gujarat
Tuesday, October 13, 2026
Home HeadLines અરવલ્લી : મોડાસાનો આઇકોનિક રોડ અકસ્માત ઝોન ..!! વરસાદી પાણીની સમસ્યાથી દોઝખ...

અરવલ્લી : મોડાસાનો આઇકોનિક રોડ અકસ્માત ઝોન ..!! વરસાદી પાણીની સમસ્યાથી દોઝખ બન્યો રોડ

0

સુલભ શૌચાલય બંધ હાલતમાં,રોડ અને ફૂટ પાથનુ કામ અધ્ધરતાલ

ભૂતપૂર્વ નગરસેવક નિલેશ જોશીએ નગરજનોની સમસ્યાઓ અંગે નગરપાલિકાનું ધ્યાન દોર્યું
આઇકોનિક રોડની ખામીઓ દૂર કરવા નિલેશ જોશીનું આવેદનપત્ર

દિવાળી પહેલાં રોડ-ફૂટપાથનું અધૂરું કામ પૂર્ણ કરવા અને બંધ સુલભ શૌચાલય શરૂ કરવાની માગ

અરવલ્લી જીલ્લાના મુખ્ય મથક મોડાસા શહેરમાં કરોડો રૂપિયાના ખર્ચે આઇકોનિક રોડ નિર્માણ કરવામાં આવ્યો છે આઇકોનિક રોડ પર જોવા મળતી વિવિધ સમસ્યાઓના નિરાકરણ માટે ભૂતપૂર્વ નગરસેવક અને જીવદયાપ્રેમી નિલેશ જોશીએ મોડાસા નગરપાલિકાના પ્રમુખ ચીફ ઓફિસર તથા નગરસેવકોને આવેદનપત્ર આપ્યું હતું.આવેદનપત્રમાં રોડની ટેકનિકલ ખામીઓ દૂર કરવા, ગટરના ઢાંકણાં રોડના લેવલમાં લાવવા, વરસાદી પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા કરવા તથા અધૂરાં રોડ-ફૂટપાથનાં કામો પૂર્ણ કરવાની માગ કરવામાં આવી છે.

રજૂઆતમાં જણાવ્યા મુજબ, આઇકોનિક રોડના બંને ભાગની સપાટી યોગ્ય રીતે મળતી ન હોવાની અને ગટરના ઢાંકણાં ઊંચાં-નીચાં હોવાની સમસ્યાથી ટુ-વ્હીલર સહિતનાં વાહનચાલકોને મુશ્કેલી પડે છે. વાહનચાલકોને અચાનક દિશા બદલવી પડે તેવી સ્થિતિ સર્જાતી હોવાથી અકસ્માતનું જોખમ રહે છે. આથી સ્થળ તપાસ અને ટેકનિકલ સર્વે કરાવી જરૂરી સુધારાકાર્ય કરવાની માગ કરાઈ છે.

વરસાદી પાણી સોસાયટીના રસ્તા પર ભરાતું હોવાની રજૂઆત

આઇકોનિક રોડ પર વરસાદી પાણીના યોગ્ય નિકાલના અભાવે પાણી ફૂટપાથ અને આસપાસની સોસાયટીઓ તરફ જતું હોવાની ફરિયાદ પણ કરવામાં આવી છે. ખાસ કરીને રામપાર્ક, કલ્યાણ આરાધના કલ્યાણ બે ના રોડ તથા માણેકબાગ તરફના સંબંધિત વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યાની તપાસ કરી ગટરલાઇનનાં જોડાણો અને પાણીના નિકાલની વ્યવસ્થા સુધારવા રજૂઆત કરવામાં આવી છે.

સાઈ મંદિરથી જજીસ બંગલો સુધીનું કામ પૂર્ણ કરવાની માગ

આઇકોનિક રોડના સાઈ મંદિરથી જજીસ બંગલો સુધીના ભાગમાં રોડ અને ફૂટપાથનાં કામ અધૂરાં હોવાનો મુદ્દો ઉઠાવી નગરપાલિકા તથા માર્ગ-મકાન વિભાગ વચ્ચે સંકલન કરીને બાકી કામગીરી દિવાળી પહેલાં પૂર્ણ કરવાની માગ કરવામાં આવી છે.

બંધ સુલભ શૌચાલય શરૂ કરાવવા રજૂઆત

રેલવે ગ્રાઉન્ડ નજીક હનુમાનજી મંદિર સામે અને નગરપાલિકાના બગીચાની બાજુમાં આવેલું સુલભ શૌચાલય લાંબા સમયથી બંધ હોવાથી શ્રદ્ધાળુઓ, રાહદારીઓ અને નાગરિકોને મુશ્કેલી પડતી હોવાનું આવેદનપત્રમાં જણાવાયું છે. શૌચાલયનું રિનોવેશન કરાવી પાણી, વીજળી, ગટર અને સફાઈની સુવિધા સાથે ફરી શરૂ કરવા તથા નિયમિત સંચાલન માટે જવાબદાર કર્મચારી અથવા એજન્સીની વ્યવસ્થા કરવાની માગ કરાઈ છે.

નિલેશ જોશીએ જણાવ્યું છે કે નાગરિકો પાસેથી વિવિધ વેરા વસૂલવામાં આવતા હોય ત્યારે તેમને સલામત રસ્તા, યોગ્ય ડ્રેનેજ અને સ્વચ્છ જાહેર સુવિધાઓ પૂરી પાડવી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાની જવાબદારી છે. રોડના નિર્માણમાં કોઈ ટેકનિકલ ખામી જણાય તો કરારની શરતો મુજબ જવાબદાર એજન્સી પાસે સુધારાકાર્ય કરાવવામાં આવે તેવી પણ માગ કરવામાં આવી છે.

આ આવેદનપત્રની નકલ મુખ્યમંત્રી, જિલ્લા કલેક્ટર અને માર્ગ-મકાન વિભાગના સંબંધિત અધિકારીઓને પણ મોકલી છે. નગરજનોના હિતમાં તમામ સમસ્યાઓનું નિરાકરણ લાવી દિવાળી પહેલાં જરૂરી કામગીરી પૂર્ણ કરવામાં આવે તેવી નિલેશ જોશીએ અપીલ કરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!