રાષ્ટ્રપતિ મેડલ વિજેતા PSI પિતા જે.ડી. ડામોરની દીકરીએ GPSCની ડાયરેક્ટ પરીક્ષા ઉત્તીર્ણ કરી પરિવાર અને સમાજનું નામ રોશન કર્યું
અરવલ્લી જિલ્લાના શામળાજી ખાતે પ્રાયોજના વહીવટદારની કચેરીમાં મદદનીશ આદિજાતિ વિકાસ અધિકારી (ATDO) તરીકે ફરજ બજાવતાં કરિશ્માબેન જયંતીભાઈ ડામોરે GPSCની ડાયરેક્ટ પરીક્ષા ઉત્તીર્ણ કરી Dy.SP (નાયબ પોલીસ અધિક્ષક) તરીકે પસંદગી મેળવી છે. તેમની આ સિદ્ધિથી પરિવાર સહિત સમગ્ર અરવલ્લી જિલ્લામાં ગૌરવની લાગણી પ્રસરી છે.
મૂળ અરવલ્લી જિલ્લાના કુંડોલપાલ ગામનાં વતની કરિશ્માબેન હાલ શામળાજી ખાતે પોતાની સરકારી ફરજ બજાવી રહ્યાં હતાં. તેમણે સરકારી સેવામાં ફરજ બજાવવાની સાથે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી ચાલુ રાખી હતી. મહેનત, દ્રઢ નિશ્ચય અને સતત અભ્યાસના પરિણામે તેમણે GPSCની ડાયરેક્ટ પરીક્ષામાં સફળતા મેળવી Dy.SP બનવાનું ગૌરવ પ્રાપ્ત કર્યું છે.
ખાસ વાત એ છે કે કરિશ્માબેનના પિતા જે.ડી. ડામોર પોલીસ વિભાગમાં PSI તરીકે ફરજ બજાવે છે અને તેમને રાષ્ટ્રપતિ મેડલથી પણ સન્માનિત કરવામાં આવ્યા છે. પિતાની પોલીસ સેવાની પ્રેરણા અને પોતાની મહેનતના બળે દીકરીએ પણ પોલીસ અધિકારી બનવાની સિદ્ધિ હાંસલ કરી છે.
એક તરફ પિતા પોલીસ વિભાગમાં રહીને જનસેવા કરી રહ્યા છે, તો બીજી તરફ દીકરી હવે Dy.SP તરીકે પોલીસ વિભાગમાં જવાબદારી નિભાવશે. કરિશ્માબેનની આ સફળતા યુવા દીકરીઓ માટે પ્રેરણારૂપ બની છે. તેમની સિદ્ધિ બદલ પરિવારજનો, સ્નેહીજનો અને સમાજના અગ્રણીઓ દ્વારા અભિનંદન પાઠવવામાં આવી રહ્યાં છે.





