અરવલ્લી જીલ્લા સેવાસદન પરિસરમાં આયોજન કચેરીમાં ફરજ બજાવતા કરાર આધારિત કર્મચારીએ જીલ્લા આયોજન અધિકારી શશાંક પંડ્યા સામે ફરજ દરમિયાન માનસિક ત્રાસ
આપતા હોવાની સાથે વિકાસના ગ્રાન્ટમાં ભ્રષ્ટાચાર આદરતા હોવાના આક્ષેપ સાથે વીડિયો બનાવી સોશ્યલ મીડિયામાં વાયરલ કરતા સરકારી તંત્રમાં ખળભળાટ મચવાની સાથે આક્ષેપ કરનાર કર્મચારીને ઉચ્ચ અધિકારીઓનું પીઠબળ હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે તદઉપરાંત જીલ્લામાં વિકાસ ના કામોમાં ભ્રષ્ટાચાર થતો હોવાની પોલ ખુલી ગઈ છે
અરવલ્લી જીલ્લામાં વિકાસના કામોમાં ભ્રષ્ટાચારની ટકાવારી અધિકારીઓ અને પદાધિકારીઓ વચ્ચે અનેકવાર ગજગ્રાહનું કારણ બની ચૂકી છે ગ્રાન્ટમાંથી વિકાસ કામો હલકી ગુણવત્તા અને નબળી કામગીરી કરવામાં આવતા હોવાનું જગજાહેર છે સરકાર દ્વારા જીલ્લાના વિકાસ માટે વર્ષે દહાડે કરોડો રૂપિયા ની ગ્રાન્ટ ફાળવવામાં આવે છે તેમ છતાં ગ્રાન્ટમાં કેટલાક ભ્રષ્ટ અધિકારીઓ અને પદઅધિકારીઓની ભાગ બટાઈના પગલે જીલ્લાનો વિકાસ પાપા પગલી માંડી રહ્યો છે
અરવલ્લી જીલ્લા આયોજન કચેરીમાં કરાર આધારિત ફરજ બજાવતા રમેશચંદ્ર રોત નામના કર્મીએ આયોજન અધિકારી શશાંક પંડ્યા સામે રીતસરનો મોરચો માંડ્યો હોય તેમ ફરજ દરમિયાન આયોજન અધિકારી માનસિક ત્રાસ આપી વિકાસ ના કામોની ફાઈલ પર સહી કરતા ન હોવાની તેમજ ડિસ્ટ્રિક્ટ મિનરલ્સ ફાઉન્ડેશનની જૂના કામોમાં ભ્રષ્ટાચાર આચરી રહ્યા હોવાનો આક્ષેપ કરી દસથી પંદર ટકા કમિશન લઈ ફાઇલ આગળ ધપાવતા હોવાનો સનસનાટી ભર્યો આક્ષેપ કરતો વીડિયો બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ કરતા હડકંપ મચ્યો છે કરાર આધારિત કર્મચારી તેમના ઉચ્ચ અધિકારીના ત્રાસ અને ભ્રષ્ટાચારને ઉજાગર કરવાની હિંમતની જીલ્લા સેવાસદન કચેરીમાં ચર્ચા ઓછી અને આક્ષેપ કરનાર કરાર આધારિત કર્મચારીઓને ઉચ્ચ અધિકારીઓનું પીઠબળ કે પછી ઉચ્ચ અધિકારીઓ એક બીજાનો હિસાબ સરભર કરવાનો કે પછી અહમ સંતોષવાની રમતનું પ્યાદુ બનાવ્યો હોવાની ચર્ચા વધુ વેગવાન બની છે
વહીવટી તંત્રમાં કરાર આધારિત ફરજ બજાવતો કર્મચારી તેના જ ઉપરી અધિકારી ભ્રષ્ટાચાર આદરતો હોવાની સાથે કર્મીઓ ને ભ્રષ્ટાચાર કરવા દબાણ કરી રહ્યો હોવાનો આક્ષેપ કરતો વીડિયો બનાવી સોશ્યલ મીડિયામાં વાયરલ કરવાનો કિસ્સો સમગ્ર રાજ્યમાં સૌપ્રથમ વાર બન્યો હોવાનું સરકારી સૂત્રો જણાવી રહ્યા છે





