29.3 C
Gujarat
Tuesday, November 24, 2026
Home ક્રાઇમ Crime અરવલ્લી : મોડાસામાં નાસ્તાની લારી પરથી ચાંદીનું કડુ ચોરી કરનાર બે આરોપીને...

અરવલ્લી : મોડાસામાં નાસ્તાની લારી પરથી ચાંદીનું કડુ ચોરી કરનાર બે આરોપીને LCBએ દબોચ્યા 

0

ત્રણ દિવસ અગાઉ બનેલી ચોરીનો ગણતરીના દિવસોમાં ભેદ ઉકેલાયો, રૂ.30 હજારની કિંમતનું 119 ગ્રામ ચાંદીનું કડું કબજે કરાયું

 

અરવલ્લી જિલ્લામાં મિલકત સંબંધી વણશોધાયેલા ગુનાઓ શોધી કાઢવા પોલીસ દ્વારા કાર્યવાહી તેજ કરવામાં આવી છે, ત્યારે મોડાસા ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા ડુંગરવાડા ચોકડી પર નાસ્તાની લારી પરથી ચાંદીનું કડું ચોરી કરવાના ગુનાનો એલ.સી.બી. પોલીસે ગણતરીના દિવસોમાં ભેદ ઉકેલી બે આરોપીઓને ઝડપી પાડ્યા છે.

 

પ્રાપ્ત માહિતી અનુસાર, ગાંધીનગર વિભાગના નાયબ પોલીસ મહાનિરીક્ષક વિરેન્દ્રસિંહ યાદવ તથા અરવલ્લી-મોડાસાના પોલીસ અધિક્ષક મનોહરસિંહ એન. જાડેજા દ્વારા જિલ્લામાં બનતા મિલકત સંબંધી ગુનાઓ શોધી કાઢવા જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી. જેના આધારે એલ.સી.બી. પોલીસ ઇન્સ્પેક્ટર એમ.એચ. ઝાલાની આગેવાની હેઠળ પો.સ.ઈ. વી.જે. તોમર, પો.સ.ઈ. વી.ડી. વાઘેલા સહિતની ટીમ મોડાસા ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી.

 

દરમિયાન પોલીસને બાતમી મળી હતી કે ડુંગરવાડા ચોકડી પર આવેલી નાસ્તાની લારી પરથી ચાંદીનું કડું ચોરી કરનારા શખ્સો મોડાસાના ચાંદટેકરી વિસ્તારમાં ફરી રહ્યા છે. બાતમીના આધારે એલ.સી.બી.ની ટીમે ચાંદટેકરી ચોકડી પાસેથી બે શંકાસ્પદ ઇસમોને ઝડપી પાડ્યા હતા. તેમની પૂછપરછ દરમિયાન પ્રથમ આરોપી રણજીતનાથ વિચ્છુનાથ મદારી પાસેથી એક ચાંદીનું કડું મળી આવ્યું હતું.

 

કડા અંગે આધાર-પુરાવા કે બિલ રજૂ કરવા જણાવતાં આરોપી કોઈ સંતોષકારક જવાબ આપી શક્યો નહોતો. જેથી પોલીસે વધુ પૂછપરછ કરતાં તેણે પોતાના સાથીદાર ધારાનાથ ધનાનાથ પરમાર સાથે મળીને ત્રણેક દિવસ અગાઉ ડુંગરવાડા ચોકડી પર આવેલી નાસ્તાની લારી ઉપર બેઠેલા વ્યક્તિ પાસેથી ચાંદીનું કડું ચોરી કર્યાની કબૂલાત કરી હતી.પોલીસે કબજે કરેલા ચાંદીના કડાનું સોની પાસે ઇલેક્ટ્રિક કાંટાથી વજન કરાવતાં 119 ગ્રામ હોવાનું સામે આવ્યું હતું, જેની હાલના બજાર ભાવ મુજબ અંદાજિત કિંમત રૂ.30 હજાર થાય છે. આ મામલે મોડાસા ટાઉન પોલીસ સ્ટેશનમાં ગુનો નંબર 11188009261095/2026 મુજબ ભારતીય ન્યાય સંહિતાની કલમ 303(2), 54 હેઠળ ગુનો નોંધાયેલો હતો.

 

ઝડપાયેલા આરોપીઓમાં રણજીતનાથ વિચ્છુનાથ મદારી (ઉં.વ.30) અને ધારાનાથ ધનાનાથ પરમાર (ઉં.વ.30), બંને રહે. ગણેશપુરા, તા. દહેગામ, જી. ગાંધીનગરનો સમાવેશ થાય છે.બંને આરોપીઓને કાયદેસરની કાર્યવાહી માટે મોડાસા ટાઉન પોલીસ સ્ટેશનને સોંપવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. આમ, ડુંગરવાડા ચોકડી પર થયેલી ચાંદીના કડાની ચોરીનો ભેદ ગણતરીના દિવસોમાં ઉકેલી એલ.સી.બી. અરવલ્લી પોલીસે સફળ કામગીરી કરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!