LCBની નાકાબંધી દરમિયાન હોન્ડા જાઝ કાર મૂકી ચાલક ફરાર, દારૂ અને કાર સહિત રૂ.7.73 લાખનો મુદ્દામાલ કબજે
અરવલ્લી LCB પોલીસે શામળાજી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા વેણપુર ગામની સીમમાં શામળાજી બ્રિજ પાસે નાકાબંધી દરમિયાન વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. રાજસ્થાન તરફથી આવતી સફેદ હોન્ડા જાઝ કારને રોકવાનો પ્રયાસ કરતાં ચાલકે કાર ભગાવી મૂકી અંધારાનો લાભ લઈ ફરાર થઈ ગયો હતો.
LCB PI એમ.એચ. ઝાલાની આગેવાની હેઠળ PSI વી.ડી. વાઘેલા, PSI વી.જે. તોમર સહિતની ટીમ પ્રોહિબિશન વોચમાં હતી. દરમિયાન કારનો પીછો કરતાં ચાલક વેણપુર ગામની સીમમાં કાર મૂકીને ભાગી ગયો હતો. તપાસ દરમિયાન કારમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની 23 પેટીઓમાં કુલ 984 બોટલ અને બિયરના ટીન મળી આવ્યા હતા, જેની કિંમત રૂ.2,73,600 થાય છે.
પોલીસે રૂ.5 લાખની હોન્ડા જાઝ કાર સહિત કુલ રૂ.7,73,600નો મુદ્દામાલ કબજે કર્યો છે. કારની નંબર પ્લેટ ખોટી હોવાનું અને કારનો અસલી નંબર RJ27CG0865 હોવાનું તપાસમાં સામે આવ્યું છે. કારમાંથી અન્ય નંબરની બે નંબર પ્લેટ પણ મળી આવી હતી.આ મામલે શામળાજી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી ફરાર કારચાલકને ઝડપી પાડવા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે





