દિવડા કોલોની, ( મહિસાગર)
મહિસાગર જીલ્લાના કડાણા પોલીસ સ્ટેશનની હદના તાતરોલી ગામે મહિસાગર નદી ઉપરના બ્રિજની નીચે લાંબા સમય અગાઉ ખંડિત અવસ્થામાં લાબા સમય સુધી પડી રહેલી મહાકાળી માતાજીની મૂર્તિનું વિધિવત વિસર્જન કરવામાં આવ્યુ હતું. તાજેતરમાં કેટલાક વ્યક્તિઓ દ્વારા સદર મૂર્તિને ફરીથી ઊભી કરી તેની પૂજા-અર્ચના શરૂ કરવામાં આવી હતી. ત્યારબાદ સોશિયલ મીડિયાના માધ્યમથી વિવિધ પ્રકારના ભ્રામક વિડિયો તથા અફવાઓ પ્રસારિત થતા આવતાં લોકોમાં અલગ પ્રકારની ધાર્મિક માન્યતા અને શ્રદ્ધા ઊભી થઈ હતી. જેના પરિણામે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ સદર સ્થળે દર્શન અને પૂજા-અર્ચના માટે એકત્રિત થવા લાગ્યા હતા.
આ સમગ્ર બાબતને ધ્યાનમાં રાખીને પોલીસ દ્વારા સ્થળની હકીકત અને પરિસ્થિતિની તપાસ કરવામાં આવતાં જાણવા મળ્યુ હતુ કે મહાકાલી માતાજીની મૂર્તિ અગાઉથી ખંડિત અવસ્થામાં હોવાથી તેનું વિસર્જન કરવામાં આવી હતી. તેમ છતાં કેટલાક વ્યક્તિઓ દ્વારા ધાર્મિક આસ્થાના નામે લોકોની લાગણીઓનો લાભ લઈ સદર સ્થળે લોકોની અવરજવર અને ભીડ વધે તથા આર્થિક લાભ મેળવવાના હેતુથી પ્રવૃત્તિઓ કરવામાં આવતી હતી. વધુમા આ જે જગ્યા છે કે મહિસાગર નદીના નીચાણવાળા વિસ્તારમાં છે અને નદીના આગળના ભાગમાં કડાણા ડેમ આવેલો હોવાથી ડેમમાંથી સમયાંતરે પાણી છોડવામાં આવે છે. આવી પરિસ્થિતિમાં સ્થળ પર એકત્રિત થતા શ્રદ્ધાળુઓને પાણી છોડવા અંગે જાણ ન હોય તો અચાનક પાણીના પ્રવાહમાં ફસાઈ જવાથી ગંભીર જાનહાનિ થવાની શક્યતા રહેલી હતી. આ ઉપરાંત મોટી સંખ્યામાં લોકો એકત્રિત થવાથી કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ ઊભી થવાની પણ શક્યતા હતી.આ તમામ બાબતોને ધ્યાનમાં રાખીને કડાણા પોલીસ સ્ટેશન દ્વારા સ્થાનિક આગેવાનો, ગ્રામજનો અને શ્રદ્ધાળુઓ સાથે સંકલન કરી શાંતિપૂર્ણ રીતે સમજાવટ કરવામાં આવી હતી. ધાર્મિક આસ્થા અને લાગણીઓનું સન્માન જળવાઈ રહે તે હેતુથી મૂર્તિને સ્થળ પરથી વિધિવત રીતે લઈ જઈ ધાર્મિક વિધિ-વિધાન સાથે અન્ય યોગ્ય સ્થળે વિસર્જન કરવામા આવી હતી.





