કડક અધિકારી હોવાની છાપ ઉપસાવવા પ્રયત્નશીલ, જુના વહીવટદારો બારોબાર ઉઘરાણા કરતા ભાગ બટાઈ ન મળતા અધિકારી ગુસ્સામાં

અરવલ્લી જીલ્લા પોલીસવડા સંજય ખરાત સ્વચ્છ છબી અને માનવતા વાદી અભિગમથી લોકોમાં પોલીસતંત્રની મહદંશે ખરડાયેલી છબીને બદલી રહ્યા છે વિધાનસભાની ચૂંટણીઓને પગલે જીલ્લા ભરના પોલીસ સ્ટેશનમાં નવા પોલીસ ઈન્સ્પેકટરો બદલી થઇને આવ્યા છે ત્યારે જીલ્લાના એક પોલીસ સ્ટેશનનો ચાર્જ સંભાળ્યા પછી પોલીસ ઇન્સ્પેકટર તેના હદ વિસ્તારમાં કડક અધિકારી હોવાની છાપ ઉપસાવવા મથામણ કરી રહ્યા હોવાની સાથે જુના વહીવટદારોની જગ્યાએ નવા વહીવટદારોની ગોઠવણ કરવાનો પ્રયત્ન કરતા જુના વહીવટદારોમાં છૂપો રોષ પ્રવર્તી રહ્યો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, દિવાળી પર્વને લઈને કડક પોલીસ અધિકારી હોવાનો પોલીસ સ્ટેશનમાં રોફ જમાવી રહ્યા હોવાની સાથે વધારાની આવક પણ ખીસ્સામાં આવે તે માટે વિશ્વાસુ વહીવટદારની અંદર ખાને શોધ ચલાવી રહ્યા છે. બીજીબાજુ તેમના તાબા હેઠળના પોલીસ સ્ટેશનમાં રહેલા વહીવટદારો દ્વારા ઉઘરાણા શરૂ કરવામાં આવ્યા છે અને ફટાકડા સહીત ગેરકાયદેસર ધંધા કરતા વેપારીઓ અને બુટલેગરોના ત્યાં સરકારી જીપ લઇ ઉઘરાણા કરી રહ્યા હોવાની અધિકારીને ગંધ આવી જતા જાતે જ ક્રોસ ચેકિંગ કરી રહ્યા હોવાની સાથે વહીવટદારોની રોજ તેમની ઓફિસમાં ઉલટ તપાસ કરવાની ચાલુ કરી હોવાની પોલીસબેડામાં ચર્ચા ચાલી રહી છે.

હાલ તો પોલીસ ઇન્સ્પેકટર અને ત્રણ થી ચાર વહીવટદારો વચ્ચે ઉઘરાણાને લઈને શીત યુદ્ધ ચાલી રહ્યું છે ત્યારે પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા નિષ્ઠાવાન કર્મચારીઓ સમગ્ર તમાશો જોઈ રહ્યા છે પોલીસ ઇન્સ્પેકટરને વહીવટદારો પરથી ભરોશો ઉઠી ગયો છે ત્યારે અધિકારીઓને ન ગોઠતાં વહીવટદારો પણ કડક અધિકારી ઉઠા ભણાવી રહ્યા હોય તેમ પોટલાં ભરી ઉઘરાણા કરી રહ્યા હોવાનું વેપારી આલમમાં ચર્ચાઈ રહ્યું છે.






