આગામી ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઇને ચૂંટણી પંચ દ્વારા ચૂંટણીની તારીખો જાહેર કરી દીધી છે. રાષ્ટ્રીય ચૂંટણી પંચના કમિશનર રાજીવકુમારે દિલ્હી ખાતે પત્રકાર પરિષદ યોજી હતી, જેમાં ગુજરાતમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર કરી છે. ગુજરાતમાં બે તબક્કામાં ચૂંટણી યોજાશે જેમાં 1 ડિસેમ્બરના રોજ પ્રથમ અને 5 ડિસેમ્બરના રોજ બીજા તબક્કા માટે ચૂંટણી યોજાશે. આ સાથે જ 8 ડિસેમ્બરના રોજ પરિણામો જાહેર થશે.
ચૂંટણીની મહત્વના અંશ
મતદાન કેન્દ્રો – 51,742
કુલ મતદારો – 4.9 કરોડ
નવા જોડાયેલા મતદારો – 3.24 લાખ
મહિલા મતદાન મથકો – 1274
મોડલ મતદાન મથક – 142
દિવ્યાંગો માટે વિશેષ મતદાન મથકો – 182
દિવ્યાંગ મતદારો – 4.4 લાખથી વધુ
80 વર્ષથી ઉપરના મતદારો – 9.89 લાખ
ચૂંટણીની તારીખો જાહેર કરતા પહેલા ચૂંટણી પંચે મોરબીમાં બનેલી ઘટનાને લઇને મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પી હતી. તમામ મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ કર્યા પછી ચૂંટણીની તારીખ જાહેર કરી હતી.
182 બેઠકો માટે ચૂંટણી
તમને જણાવી દઈએ કે રાજ્યમાં કુલ 182 વિધાનસભા સીટો છે. જેમાંથી 40 બેઠકો અનામત છે. જ્યારે 13 બેઠકો અનુસૂચિત જાતિ (SC) માટે અને 27 બેઠકો અનુસૂચિત જનજાતિ (ST)/ આદિવાસી સમાજ માટે અનામત છે.
2017ની ચૂંટણીનું પરિણામ
2017ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપને 99 અને કોંગ્રેસને 77 બેઠકો મળી હતી તો ભારતીય ટ્રાઇબલ પાર્ટી (BTP)ને બે બેઠક જ્યારે NCPને એક બેઠક પર સફળતા મળી હતી. આ સાથે જ ત્રણ બેઠકો અપક્ષ ઉમેદવારોના ખાતામાં આવી. કોંગ્રેસ સમર્થિત જીજ્ઞેશ મેવાણી પણ આમાં સામેલ હતા.
ત્રિપાંખિયો જંગ…!!
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીમાં અત્યારસુધીમાં ત્રીજો પક્ષ સફળ થયો નથી પણ આપને જણાવી દઈએ કે, ગુજરાતમાં ભાજપ અને કોંગ્રેસના મુખ્ય મુકાબલા વચ્ચે આ વખતે આમ આદમી પાર્ટી પણ મેદાન છે. આ વખતે વિધાનસભા ચૂંટણી માટે આમ આદમી પાર્ટી પણ જોરદાર મહેનત કરી રહી છે.