મોડાસાના મહિલા PSI કોમલ રાઠોડે કેન્સરને મજબૂત મનોબળથી માત આપી શાનથી નોકરી કરી રહ્યા છે
અડગ મનના માનવીને હિમાલય પણ નડતો નથીને યુક્તિને સાર્થક કરતા PSI કોમલ રાઠોડે કેન્સર સામે જીત મેળવી સમાજને નવી દિશા ચીંધી
(જય અમીન-મેરા ગુજરાત)
7 નેવેમ્બરને રાષ્ટ્રીય કેન્સર જાગૃતિ દિવસ તરીકે ઉજવણી કરવામાં આવે છે કેન્સર નિવારણ અને વહેલી તકે તપાસ જાગૃતિ લાવવા ઉજવણી કરવામાં આવે છે કેન્સરનું પ્રાથમીક તબક્કામાં નિદાન ન થતા દેશમાં કેન્સરની બીમારીમાં સપડાયા પછી મૃત્યુ આંક વધુ હોવાથી લોકોમાં ભારે ભય પ્રવર્તી રહ્યો છે રાષ્ટ્રીય કેન્સર જાગૃતિ દિવસે Mera Gujarat મજબૂત અને મક્કમ મનોબળ ધરાવતા મહિલા પોલીસ અધિકારી કોમલ રાઠોડ કેન્સર નામની જીવલેણ બીમારીને કઈ રીતે હરાવી સ્વમાનભેર ફરજ બજાવી રહ્યા હોવાની સાથે કેન્સરના દર્દીઓ માટે પ્રેરણારૂપ બન્યા છે તે અંગેનો વિસ્તૃત અહેવાલ રજુ કરી રહ્યું છે.કેન્સર નામ પડતાની સાથે જ દર્દી અને તેના પરિવારજનો હિંમત હારી જતા હોય છે કેન્સરને અડગ મનથી હરાવનાર પીએસઆઇ કોમલ રાઠોડે સાબરકાંઠા એસઓજી અને એલસીબીમાં ફરજ દરમિયાન અનેક ખૂંખાર આરોપીઓને જેલ ભેગા કર્યા હતા અને હાલ મોડાસા મહિલા પોલીસ સ્ટેશનમાં ફરજ ફરજ બજાવી રહ્યા છે.મહિલા પીએસઆઈ કોમલ રાઠોડે મેરા ગુજરાત સાથે રાષ્ટ્રીય કેન્સર જાગૃતિ દિવસે વાત કરતા જણાવ્યું હતું કે બાળપણથી જ પોલીસ અધિકારી બનવાનો નિર્ણય કર્યો હતો એસઆરપીમાં કોન્સ્ટેબલ તરીકે નોકરી પ્રાપ્ત કર્યા બાદ પીએસઆઈ માટે તનતોડ મહેનત ચાલુ હતી વર્ષ-2009માં એસઆરપી કોન્સ્ટેબલ માંથી મહિલા પીએસઆઇ તરીકે સિલેકટ થતા ખુશીનો પાર ન હતો પીએસઆઇ ટ્રેનિંગ દરમિયાન ગળાનું લિમ્ફોમા કેન્સર હોવાનું નિદાન થયું હતું કેન્સરનું નિદાન થતા હિંમત હાર્યા વગર મજબૂત માનસિક સ્થિતિ અને મક્કમ મનોબળ અને પતિ તેમજ પરિવારજનોની હૂંફથી કિમોથેરાપીની સારવારથી કેન્સર સામે જંગ જીતી લીધો હતો 4 મહિનાની ખાનગી હોસ્પિટલમાં સઘન સારવાર ખુબ જ કંટાળાજનક હોવા છતાં આફતને અવસરમાં પલ્ટી દીધી હતી અને કેન્સરને માત આપ્યા પછી કરાઈમાં અધૂરી ટ્રેનિંગ પૂર્ણ કરી સાબરકાંઠામાં પીએસઆઈ તરીકે 7 વર્ષ અને હાલ મોડાસા મહિલા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવી રહી છું
મોડાસા મહિલા પોલીસ સ્ટેશનમાં પીએસઆઈ કોમલ રાઠોડનું માનવું છે કે, દુનિયામાં મજબૂત મનોબળ હોય તો કેન્સર તો શું દુનિયાની કોઈ તાકાત નથી કે જે તમને નમાવી શકે.મન મજબૂત હોય તો ગમે તેવો જંગ જીતી જવાય છે. કેન્સર એક સામાન્ય દર્દ છે જોકે તેની ગંભીરતા સમજી તેની પૂર્ણ સમયસર સારવાર કરાવવી જરૂરી છે, પરંતુ તેના નામ માત્રથી જો ડર કે ભય પેદા થાય તો કેન્સર પહેલા જ ભય માનવીને ખાઈ જાય છે. તો વળી દુનિયામાં પરિવાર અને મિત્રોથી મોટો કોઈ સહયોગ નથી. મજબુત અને અડગ મનોબળથી દુનિયાનો કોઈપણ જંગ જીતી શકાય છે. અને એટલે જ આજે કેન્સર જેવા રોગને હરાવી પોતે એક સામાન્ય વ્યક્તિની જેમ જિંદગી જીવી શક્યા છે. પોતાના પરિવાર સહિત અન્ય લોકો માટે પણ પ્રેરણાસ્ત્રોત બની શક્યા છે. સામાન્ય રીતે પોલીસનું નામ સાંભળતા જ કરડાકી ભરેલો ચહેરો આપની આંખો સામે તરવરી ઉઠે છે.પરંતુ આવા કઠોર ચહેરા પાછળ ઘણીવાર જિંદગીના અનેક સંઘર્ષ પણ રહેલા હોય છે તે આજે જોવા મળ્યું હતું