અરવલ્લી જિલ્લામાં વિધાનસભાની ચૂંટણીને લઇને માહોલ ગરમાયો છે. ખાસ કરીને બાયડ વિધાનસભા બેઠક પર આ વખતે ખરાખરીનો જંગ જોવા મળે તો નવાઈ નહીં. બાયડ વિધાનસભા બેઠક પર કૉંગ્રેસના સીટિંગ ધારાસભ્ય જશુ પટેલનું પત્તુ કપાઈ જતાં તેમના ચહેરા પર નારાજગી સ્પષ્ટ જોવા મળી હતી. મોડાસા ખાતે તેમના વનમાડી નિવાસ સ્થાને મીડિયા સાથેની વાતચીતમાં કૉંગ્રેસ પર વરસ્યા હતા, આ સાથે જ તેમણે બાયડ વિધાનસભા બેઠક પર કૉંગ્રેસના ઉમેદવાર મહેન્દ્રસિંહ વાઘેલા પર વરસ્યા હતા.
ધારાસભ્ય જશુ પટેલે નિવેદન આપતા જણાવ્યું કે, તેઓ સમાજ સેવા કરશે, એવું નથી કે, ધારાસભ્ય રહીને જ કામ કરી શકાય. આ સાથે જ કૉંગ્રેસના નવા ઉમેદવાર મહેન્દ્રસિંહ વાઘેલા પર ગંભીર આક્ષેપો કર્યા હતા, તેમણે કહ્યું કે, પાંચ વર્ષમાં માત્ર ગણતરીના દિવસોમાં દેખાતા લોકો ચોકઠા ગોઠવી આવી ગયા છે જેથી ઘણં જ દુ:ખ થાય છે. આ સાથે મહેન્દ્રસિંહ વાઘેલાને ટિકિટ આપનાર લોકોને પણ આડેહાથ લઇ કહ્યું કે, આ તમામ લોકો એક લાઈનના છે.
ચૂંટણીમાં પ્રચાર માટે નહીં જાય
જશુ પટેલની ટિકિટ કપાતા તેમણે કહ્યું કે, હવે તેઓ ચૂંટણી પ્રચારમાં નહીં જાય. મોડાસા ખાતે પહોંચેલા ધારાસભ્ય જશુ પટેલના ચહેરા પર નિરાશા સ્પષ્ટ જોવા મળી હતી અને કૉંગ્રેસના આલા કમાનથી નારાજ દેખાયા હતા.હવે જોવું રહ્યું કે, જશુ પટેલના જેમ મહેન્દ્રસિંહ વાઘેલા કેવી રીતે કામ કરશે?