વેસ્ટ ઈન્ડિઝની ક્રિકેટ ટીમ હાલમાં દક્ષિણ આફ્રિકાના પ્રવાસે છે અને આજકાલ આ બંને ટીમો વચ્ચે ટેસ્ટ શ્રેણીની બીજી ટેસ્ટ મેચ ચાલી રહી છે. આ ટેસ્ટ મેચના ત્રીજા દિવસના અંતે દક્ષિણ આફ્રિકાની ટીમે 356 રનની જંગી લીડ મેળવી લીધી છે. આ મેચમાં દક્ષિણ આફ્રિકાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો.
આ મેચની પ્રથમ ઈનિંગમાં દક્ષિણ આફ્રિકાએ 320 રન બનાવ્યા હતા જેના જવાબમાં વેસ્ટ ઈન્ડિઝની આખી ટીમ માત્ર 251 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ત્યાર બાદ દક્ષિણ આફ્રિકાએ તેનો બીજો દાવ શરૂ કર્યો અને ત્રીજા દિવસના અંતે 93 ઓવરમાં 7 વિકેટના નુકસાન પર 287 રન બનાવ્યા. આ રીતે દક્ષિણ આફ્રિકાને અત્યાર સુધી 356 રનની લીડ મળી છે અને તેની પાસે હજુ 3 વિકેટ અને 2 દિવસ બાકી છે.
દક્ષિણ આફ્રિકાના કેપ્ટને સદીની ઇનિંગ રમી હતી
દક્ષિણ આફ્રિકાનો કેપ્ટન ટેમ્બા બાવુમા 275 બોલમાં 171 રન બનાવીને રમી રહ્યો છે. આ સાથે જ કેશવ મહારાજ પણ 3 રન બનાવીને અણનમ છે. દક્ષિણ આફ્રિકાના આ બંને ખેલાડીઓ ચોથા દિવસની શરૂઆત કરશે અને એવી અપેક્ષા રાખવામાં આવે છે કે દક્ષિણ આફ્રિકા 400 રનથી આગળ પોતાની લીડ લઈ લેશે. વેસ્ટ ઈન્ડિઝ તરફથી જેસન હોલ્ડરે પ્રથમ દાવમાં સૌથી વધુ રન બનાવ્યા હતા. તેણે 81 રનની અણનમ ઇનિંગ રમી હતી, પરંતુ તેના સિવાય અન્ય કોઈ વેસ્ટ ઈન્ડિઝનો બેટ્સમેન 30 રનનો આંકડો પણ પાર કરી શક્યો નહોતો.
દક્ષિણ આફ્રિકા તરફથી એડમ માર્કરામ (96)એ પ્રથમ ઇનિંગમાં સૌથી વધુ રન બનાવ્યા હતા. તેના સિવાય ટોની ડીજ્યોર્જે પણ 85 રનની શાનદાર ઇનિંગ રમી હતી. હવે જોવાનું એ રહેશે કે મેચના ચોથા દિવસે વેસ્ટ ઈન્ડિઝ કેવી રીતે ક્રિકેટ રમે છે.
ડેરિલ મિશેલ ફરી બન્યો ન્યૂઝિલેન્ડ માટે તારણહાર, શ્રીલંકા સામે મેચમાં કરાવી વાપસી
ન્યૂઝીલેન્ડ પ્રવાસ પર આવેલી શ્રીલંકાની ટીમ હાલમાં બે ટેસ્ટ મેચની શ્રેણીની પ્રથમ મેચ રમી રહી છે. પ્રથમ ટેસ્ટના પ્રથમ દાવમાં શ્રીલંકાની ટીમે 355 રન બનાવ્યા હતા. શ્રીલંકાની પ્રથમ ઇનિંગના જવાબમાં ન્યૂઝીલેન્ડની અડધી ટીમ 151 રનમાં પેવેલિયન પરત ફરી હતી. જો કે, આ પછી ડેરીલ મિશેલ ન્યુઝીલેન્ડ માટે સંકટમોચક બન્યો હતો. તેણે પ્રથમ ટેસ્ટના ત્રીજા દિવસે શાનદાર બેટિંગ કરી હતી અને 193 બોલમાં 6 ફોર અને 2 સિક્સરની મદદથી 102 રન બનાવ્યા હતા. તેણે મેટ હેનરી (72) સાથે મળીને ટીમની વાપસી કરાવી હતી અને કિવી ટીમને શ્રીલંકા પર 18 રનની લીડ અપાવી હતી.