તબીબ અને તેમનો પરિવાર લગ્નપ્રસંગ માંથી પરત ફરતા બે લુખ્ખા તત્ત્વોએ હુમલો કરતા કારમાં રહેલા પરિવારજનોએ બુમાબુમ કરી મૂકી હતી
અરવલ્લી જીલ્લામાં બાકી પડતી લોનના હપ્તાની વસુલાત અને વાહન રિકવર માટે રીતસરની ગુંડાગીરી થઈ રહી હોવાની બૂમો ઉઠી રહી છે ત્યારે મેઘરજ તાલુકાના રેલ્લાવાડા ગામમાં ક્લિનિક ચલાવતા તબીબની કારનો બાઈક પર પીછો કરી કુણોલ ત્રણ રસ્તા પર તબીબની કાર આડે બાઈક ઉભી રાખી તબીબને કારની લોનના હપ્તા બાકી હોવાનું કહી તબીબ અને તેના ભાઈ પર બાઈક ચાલક હુમલાખોરે હુમલો કરતા ભારે ચકચાર મચી છે તબીબ અને તેના ભાઈને માથામાં કડુ મારતા ઇસરી સારવાર લેવાની ફરજ પડી હતી તબીબ પર હુમલો થતા લોકોના ટોળેટોળા દોડી આવતા હુમલાખોર બાઈક ચાલક બાઈક લઇ ફરાર થઇ ગયા હતા ઇસરી પોલીસે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી
મેઘરજ તાલુકાના વાણીયાવાડા ગામના અને રેલ્લાવાડામાં માતૃછાયા ક્લિનિક ધરાવતા તબીબ મહેન્દ્રભાઈ ધુળાભાઈ ડામોર તેમના પરિવાર સાથે અર્ટિગા કારમાં હિંમતપુર ગામે લગ્નપ્રસંગમાં હાજરી આપી બપોરના સુમારે ઘરે પરત ફરતા કુણોલ ત્રણ રસ્તા પર બાઈક પર આવેલા બે શખ્સોએ કાર આડે બાઈક ઉભું રાખી દઈ કાર અટકાવી કાર ચાલક તબીબને નીચે ઉતારી તમારા લોનના હપ્તા બાકી છે કહેતા તબીબે હપ્તા બાકી ન હોવાનું જણાવતા બાઈક ચાલકે તબીબને બેફામ ગાળો બોલી ઝપાઝપી કરી હાથમાં કડુ માથામાં મારી દીધું હતું તબીબ પર હુમલો થતા તેમના ભાઈ બચાવવા દોડી આવતા તેમના માથે પણ કડાનો ઘા ઝીંકી દઈ ફરાર થઇ ગયો હતો તબીબ અને તેમના ભાઈ હુમલામાં લોહીલુહાણ થતા પરિવાજનોએ સારવાર અર્થે ઇસરી દવાખાને ખસેડાયા હતા તબીબ પર હુમલો થતા લોકોના ટોળેટોળા ઉમટ્યા હતા તબીબ પર ફાઇનાન્સ કર્મી તરીકે ઓળખ આપી અજાણ્યા હુમલાખોરે હુમલો કરતા સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી છે
ઇસરી પોલીસે તબીબ મહેન્દ્રભાઈ ધુળાભાઈ ડામોરની ફરિયાદના આધારે અજાણ્યા બાઈક ચાલક હુમલાખોર સામે ગુન્હો નોંધી ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા