ગુંદી, કટ ગુંદી કે ગુંદા તરીકે દેખાતાં આ નાનાં-નાનાં ફળ આજે પણ ગામડાંમાં બહુ પ્રચલિત છે. ગરમીના દિવસોમાં તેના ઝાડ પર નાનાં-નાનાં ઝુમખાંમાં લટકતાં કેસરી રંગનાં ગુંદાં એટલાં સુંદર લાગે છે કે, પાસેથી પસાર થતા લોકો જોતાં જ તોડીને ખાવા માટે લલચાય. ઉનાળામાં તેના ઝાડ પર પાન ઓછાં અને ગુંદાં વધારે દેખાય છે, જેનાથી તેનો આખો દેખાવ જ લલચામણો લાગે છે.
ખેતરના શેઠા પર કે વનવગડામાં તેનાં ઝાડ જોવા મળતાં હતાં, જોકે આજકાલ તો બજારમાં પૈસા ખર્ચવા છતાં મળવાં લગભગ દુર્લભ બની ગયાં છે. કચ્છમાં આ કટ ગુંદીને લિયાર નામથી પણ ઓળખવામાં આવે છે, જેમાં અંદરની તરફ ચીકણો રસ હોય છે.
આ નાની કેસરી રંગની ગુંદી હોય કે મોટાં ગુંદાં હોય જેનો ઉપયોગ આપણે શાક કે અથાણું બનાવવા માટે કરીએ છીએ, આ બંને સ્વાસ્થ્ય માટે ખૂબજ ફાયદાકારક ગણાય છે. ગુંદાંની પ્રકૃતિ ઠંડી હોવાથી તે ઉનાળામાં ખૂબજ ફાયદાકારક ગણાય છે. આ ઉપરાંત તેના સેવનથી વાત અને પિત્તમાં રાહત મળે છે.
ગુંદાનું ફળ અને ઝાડના ફાયદા:
જે લોકોને રક્તપિત્તની બીમારી હોય તેમના માટે આ ફળનું સેવન ખૂબજ ફાયદાકારક ગણાય છે.
જે લોકોને વર્ષોથી કબજિયાત રહેતી હોય ગુંદાના સેવનથી ઘણો ફાયદો થાય છે.
નિયમિત ગુંદાંના સેવનથી આંતરડાંમાં ચીકાશ ઉત્પન્ન થાય છે, જેના કારણે મળ ત્યાગમાં સરળતા રહે છે.
કોઈ નાનુ જીવજંતુ કે મધમાખી કરડી હોય તો ડંખની જગ્યાએ ગુંદાની છાલનો લેપ લગાવવાથી ઝેરની અસર ઓછી થાય છે અને તરત જ રાહત મળે છે.
પહેલાંના સમયમાં આપણાં વડીલો કહેતાં કે, આ કટગુંદીનું સેવન સાંધાના દુખાવામાં ખૂબજ ફાયદાકારક રહે છે. તેના સેવનથી કમર અને પગ ઓછા દુ:ખે છે.
આ ઉપરાંત આ કટ ગુંદીમાં વિટામિન સીનું પ્રમાણ પણ ઘણું સારું હોય છે, એટલે જ તેનું સેવન એકંદર સ્વાસ્થ્ય માટે બહુ ફાયદાકારક ગણાય છે અને શરીરનું રોગો સામે રક્ષણ કરે છે.
આ જ કારણે આપણાં વડીલો ઉનાળા દરમિયાન ખેતરો-જંગલોમાંથી ગુંદાં વીણી લાવતાં અને ખાવાનું ચૂકતાં નહીં. એટલું જ નહીં, સિઝન બાદ પણ તેને ખાઈ શકાય એ હેતુથી તેઓ તેને સુકવીને તેની કોકડી બનાવીને પણ રાખતાં અને ખાતાં.