ગૃહ રાજયમંત્રી હર્ષ સંઘવીએ અમદાવાદના જગન્નાથજી મંદિરે દર્શન કર્યા બાદ કરી સુરક્ષાની સમીક્ષા
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ મહંત દિલીપદાસજી, મંદિરના ટ્રસ્ટીઓ અને આગેવાનો સાથે કરી સમીક્ષા બેઠક
આસ્થા અને વ્યવસ્થાનું આ મહાપર્વ રંગે-ચંગે તથા સલામતી સાથે ઊજવાય તેની તૈયારીઓ- હર્ષ સંઘવી
ખાડિયા, રાયપુર, કાલુપુર, પ્રેમ દરવાજા, તંબુ ચોકી સહિતના વિસ્તારોમાં સામાજિક-ધાર્મિક આગેવાનોએ કર્યું સ્વાગત, સન્માનરથયાત્રાની સમગ્ર સુરક્ષાનો મોરચો ૨૫ હજારથી વધુ અધિકારી અને કર્મચારીઓ સાંભળશે
અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની ૧૪૬મી રથયાત્રા પહેલા ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી ભગવાન જગન્નાથજીના દર્શનાર્થે પહોંચ્યા હતા. સૌપ્રથમ મંદિરમાં દર્શન કરીને હર્ષ સંઘવીએ મંદિરના મહંત તેમજ ટ્રસ્ટના પદાધિકારીઓ અને અન્ય આગેવાનો સાથે બેઠક કરી હતી. ત્યારબાદ ઉચ્ચ પોલીસ અધિકારીઓના કાફલા સાથે હર્ષ સંઘવી ૧૬ કિલોમીટરના સમગ્ર રૂટની સમીક્ષા કરવા માટે રવાના થયા.
જગન્નાથ મંદિરથી શરૂ થયેલી આ સમીક્ષા યાત્રા રથયાત્રાના રૂટના એક બાદ એક પડાવો પસાર કરતી આગળ વધી હતી. રૂટ પર આવતા અનેક ચોક, પોળના નાકાઓ, ધાર્મિક સ્થળો પર સૌહાર્દપૂર્ણ વાતાવરણના દૃશ્યો જોવા મળ્યા હતા. જ્યાં જ્યાંથી પોલીસ કાફલો પસાર થયો ત્યાં ઘર, દુકાન અને ચાર રસ્તાઓ પર “કોમી એકતા ઝીંદાબાદ”, “ભારત માતા કી જય”, “વંદે માતરમ”, “જય રણછોડ, માખણચોર”ના નારા લગાવવામાં આવ્યા હતા. જેનાથી આખોય રુટ પર ભક્તિમય માહોલ બની ગયો હતો. રથયાત્રાના મહત્ત્વના પડાવ એવા તંબુ ચોકીમાં સામાજિક આગેવાનોએ ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીનું શાલ ઓઢાડી સન્માન કર્યું.
ઉલ્લેખનીય છે કે, રથયાત્રાના બંદોબસ્તમાં વિવિધ રેન્કના ૨૫,૦૦૦થી વધુ સુરક્ષા જવાનો જોડાયા છે. જેમાં ૧૧ આઇજી કક્ષાના, ૫૦ એસપી, ૧૦૦ ડીવાયએસપી, ૩૦૦થી વધુ પીઆઇ, ૮૦૦ પીએસઆઇ, ૩૫ કંપની એસઆરપી/સીઆરપીએફ, છ હજાર હોમગાર્ડ મળી કુલ ૨૫ હજારથી વધુ જવાનો સુરક્ષાનો મોરચો સાંભળશે.
સમગ્ર બંદોબસ્તમાં સેન્ટ્રલ પોલીસ, રાજ્ય પોલીસ, નજીકના જિલ્લા અને શહેર પોલીસના જવાનો બંદોબસ્તમાં જોડાશે. અમદાવાદ પોલીસ કમિશનર સહિત સમગ્ર પોલીસ ટીમે રિહર્સલ કર્યું છે. ૧૫થી વધુ વિભાગો સાથેનો આ મેગા બંદોબસ્ત રાષ્ટ્રીય સ્તરે દાખલારૂપ છે.
ભગવાન જગન્નાથજીની રથયાત્રા જે વિસ્તારોમાંથી પસાર થનાર છે એ તમામ સ્થળો પર સલામતીલક્ષી ૩૬૦ ડિગ્રી સમીક્ષા કરવામાં આવી હતી. આમ, રથયાત્રા પહેલાની આ ‘સલામતી યાત્રા’ ભાવિક ભક્તો અને રહીશો માટે ઉત્સાહવર્ધક બની રહી હતી.