પંચમહાલ જીલ્લામાં આજે સવારથી જ વરસાદી માહોલ સર્જાયો હતો. સતત બે કલાક સુધી પડેલા વરસાદને કારણે શહેરના વિવિધ વિસ્તારો જેવા કે અંકલેશ્વર મહાદેવ, લાલબાગ બસ સ્ટેન્ડ,ભુરાવાવ વિસ્તાર શહેરા ભાગોળ, સિંધુરી માતા મંદિર, આદ્ય મહેશ્વરી સોસાયટી, સિંધી ચાલી ખાડી ફળિયા, ચિત્રાખાડી તેમજ અન્ય નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા.જેના કારણે વાહનચાલકો અને રાહદારીઓને પણ મુશ્કેલી ભોગવી પડી હતી.જીલ્લાના અન્ય તાલુકાઓમાં પણ વરસાદ પડ્યાના અહેવાલ પ્રાપ્ત થયા છે. વરસાદના આગમનને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી જતા ગરમીથી નગરવાસીઓને છુટકારો મળ્યો હતો.
પંચમહાલ જીલ્લામાં પાછલા બે દિવસથી પડી રહેલી અસહ્ય ગરમીના કારણે નગરજનો પણ ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા.શહેરમાં મેઘરાજાએ જાણે વાજતે ગાજતે પધરામણી કરી હોય તેવા દ્શ્યો સર્જાયા હતા.આજે વહેલી સવારથી જ ગોધરા શહેર અને તાલુકામાં પણ પધરામણી કરી હતી. જેમા શહેરના નીચાણ વાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા.
શહેરના ગોધરા શહેરના આદ્ય મહેશ્વરી સોસાયટી અને વાલ્મિકીવાસ ખાતે પસાર થતી વરસાદી કાસની કેનાલમાં સતત બે કલાક સુધી ચાલુ રહેલા વરસાદને પગલે સોસાયટી વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. જેના કારણે વરસાદી કાસની કેનાલમાં લોખંડની લારીઓ સહિત ગોદડાઓ તણાઈ આવ્યા હતા. વાલ્મિકી વાસ ખાતે આજુબાજુના વિસ્તારોમાં આવેલા ઘરોમાં પાણી ભરાઈ જતા સ્થાનિક લોકોએ વરસાદી કાસની કેનાલમાં કચરો જામ થઈ ગયો હતો તેને લાકડાની મદદથી દૂર કરીને પાણીનો નિકાલ કર્યો હતો. ગોધરામાં આવેલા શહેરા ભાગોળ રેલ્વે ફાટક પાસે નિર્માણ પામી રહેલા અંડરપાસની કામગીરીને પણ વરસાદની અસર જોવા મળી હતી.શહેરના શાકભાજી માર્કેટમાં પણ વરસાદી પાણી ભરાઈ જવાને કારણે શાકભાજીને નુકશાન પહોચ્યુ હતુ. કેટલીક જગ્યાએ વીજપોલ પણ ધરાસાઈ થયા હતા.