asd
31 C
Ahmedabad
Friday, September 13, 2024

વ્રત તહેવારોને પગલે ફ્રૂટ બજાર ઉભરાયા: બજારમાં વિવિધ ફળોનું આગમન થયું છે, ઉપવાસના દિવસોમાં શાકભાજીની ખરીદી ઘટી


વર્ષાઋતુની શરૂઆત થતાં જ ધાર્મિક અને સામાજિક તહેવારોની ઉજવણી કરવામાં આવે છે.જેને પગલે બજારમાં વિવિધ ફળોનું આગમન થઈ ચૂકયું છે અને હજી આગામી દિવસો માં અઢળક ફળો જોવા મળશે.

Advertisement

વર્ષાઋતુને ‘ચોમાસુ’ પણ કહેવાય છે. ચાર મહિના જેવું સંખ્યાસૂચક સંબોધન માત્ર વર્ષાઋતુ માટે જ વપરાય છે. આમ કેમ? વર્ષાઋતુનાં ‘દેવશયી અગિયારસ’ થી ‘દેવઉઠી અગિયારસ’ દરમ્યાનના સમયને ચોમાસુ સંબોધાય છે. આ સમય દરમ્યાન વિવિધ ધાર્મિક વ્રત-તહેવારો જે તે તિથિ અનુસાર ઉજવવામાં આવે છે. ગૌરીવ્રત, જયાપાર્વતી વ્રત, શ્રાવણનાં સોમવાર, દિવાસો, અગિયારસ, દશામાંનું વ્રત, વટસાવિત્રી પૂનમ, ફુલકાજળીનું વ્રત જેવા અનેક ધાર્મિક માન્યતા અને પરંપરાનુસાર વ્રત કરવામાં આવે છે. અલગ-અલગ પ્રાંતમાં વ્રતનાં વિધિ-વિધાનોમાં થોડો ફરક હોય છે. પરંતુ આ વ્રતનાં ભાગરૂપે પૂજન-અર્ચન-દર્શન, કથાશ્રવણ સાથે સામાન્ય રીતે ખવાતા ખોરાકને બદલે ઉપવાસ-એક વખત જમવાનું થતું હોય છે. ઉપવાસ અને એકટાણાં દરમ્યાન હંમેશા ખવાતા ખોરાકને બદલે લેવાતા ખોરાકને ‘ફરાળ’ કહીએ છીએ. હંમેશા એક સરખા જીવાતા જીવનમાં થોડી વિવિધતા ઉમેરાય, ઋતુ અનુસાર અનુકૂલન થાય તથા સામાજિક ઉમંગ-ઉત્સાહ સાથે ધાર્મિક આસ્થા અને પરંપરા જળવાય તેવા આશય અને ઉપયોગિતાને કારણે જ આધુનિક યુગમાં પણ આ બધા જ તહેવારો, વ્રતની પરંપરા યથાવત ચાલે છે. જીવનમાં નાવિન્ય-ઉત્સાહ અને શ્રધ્ધા ઉપરાંત આ બધી પ્રથાઓ પાછળ આરોગ્યલક્ષી ઉદ્દેશ્ય પણ છે. તે જાણવા આપણે ‘ફરાળ’ વિશે પણ થોડું જાણવા જોગ છે.

Advertisement

‘ફરાળ’ એટલે ‘ફલાહાર’:
ફરાળ એ ફલાહાર સંસ્કૃત શબ્દનો અપભ્રંશ થયેલો શબ્દ છે. ફરાળનો ઉદ્દેશ્ય સામાન્ય રીતે ખવાતા ખાદ્યપદાર્થોને બદલે ફલાહાર-ફળનો આહાર કરવો એટલે માટે આરોગ્યપ્રદ છે, કેમકે વર્ષાઋતુમાં ભેજ, ઠંડક, સૂર્યપ્રકાશનો અભાવ, વાદળછાયું વાતાવરણ માત્ર માનવ શરીર પર અસર કરે છે તેવું નથી. આ બદલાયેલ આબોહવાની અસર પાણી, શાકભાજી, અનાજ, કઠોળ દરેક પર થાય છે. વરસાદના દિવસો દરમ્યાન પાચનશક્તિ મંદ થવાનું કારણ વધુ ભેજયુક્ત વાતાવરણમાં વાયુદોષની સાહજીકતાથી થતી વિકૃતિ છે. આવા સમયગાળા દરમ્યાન અમુક તિથિ-તહેવારે સામાન્ય ખોરાકનો ત્યાગ કરી માત્ર પાણી, નવશેકું પાણી, ફુલ સુંઘવું, દૂધ-છાશ જેવા પીણાં, કેળા-ચીકુ-પપૈયા તથા ઋતુમાં મળતા તાજાં ફળ પ્લમ્સ, જાંબુ, નાસપતિનું સેવન કરવાથી પાચનશક્તિ જળવાઈ રહે છે. માત્ર ફલાહાર કરવાને પરિણામે રસોઈ-આહારમાં વપરાતો સમયગાળો ઘટે છે. જેનો ઉપયોગ ઈશ્વરનું પૂજન, સ્મરણ, ધ્યાન વગેરે જેવી આધ્યાત્મિક પ્રવૃત્તિ માટે કરી શકાય. સગાં-સબંધીઓ, મિત્રવૃંદ સાથે મળીને ભજન-કીર્તન, સંગીત-નૃત્ય જેવી સમૂહમાં આનંદવર્ધન કરતી પ્રવૃત્તિમાં કરી શકાય. એકધારા જીવાતા જીવનની નીરસતામાં નવીનતા અને ઉત્સાહ આવે. વાદળછાયા વાતાવરણમાં મનમાં ઉદાસી, ઉત્સાહનો અભાવ, વિચારવાયુ જેવી માનસિક વ્યથા પણ નજીવા કારણોસર થતી હોય છે. વ્રત-તહેવારોની ઉજવણી જીવનમાં નવો રંગ-ઉત્સાહ ઉમેરે છે.ઉપવાસ-શબ્દને આપણે માત્ર ખોરાક નહીં ખાવો, એવા અર્થથી મૂલવીએ છીએ. ઉપવાસનો શાબ્દિક અર્થ છે. ઈશ્વરની નજીક બેસવું. આવું ઇશ્વરિય તત્વનું સાન્નિધ્ય, ચિંતન-મનન, ઉજવણું ત્યારે શક્ય બને જયારે રોજબરોજની પ્રવૃત્તિમાંથી નિવૃત્તિ લઇ શકીએ. આથી ઉપવાસ દરમ્યાન ફલાહાર સૂચવાયો છે.

Advertisement

ફરાળ અને આરોગ્ય:
સામાન્ય રીતે બટેકા, શક્કરિયા, શિંગોડા, સાબુદાણા, માવો, સૂકોમેવો, ઘી, તેલ, ખાંડ, ગોળ, દૂધ, દહીં જેવા પદાર્થો ફરાળી વાનગીમાં વાપરીએ છીએ. આ બધા પદાર્થો કાર્બોહાઈડ્રેટ્સ, ફેટ, સુગરથી ભરપૂર છે. ભોજનમાં નાવીન્ય લાવતી તળેલી-ગળી ફરાળી વાનગીઓ આરોગવામાં પ્રમાણભાન પણ જળવાતું નથી. આથી પાચનશક્તિની મંદતાનાં દિવસો દરમ્યાન પચવામાં ભારે-પૌષ્ટિક ફરાળી વાનગીઓ અપચો, એસિડીટી, ઝાડા-કબજીયાત, ગેસ, બ્લડસુગર-બ્લડપ્રેશરમાં વધારો જેવી અનેક સમસ્યા સર્જે છે.

Advertisement

વાયુપ્રકૃતિના વ્યક્તિઓ બટેકા, સાબુદાણા જેવી કાર્બોહાઈડ્રેટસવાળી, વાયડી ફરાળી ચીજો વારંવાર ખાશે તો પાચનમાં ગડબડ થવાની શક્યતા વધેજ. આથી ચીકુ, કેળા, નાસપતિ, પપૈયું, ખજૂર, ઓછી મલાઈવાળા દૂધમાં બનાવેલી ખીર, લીલા નારિયેળ કે સાબુદાણાની ખીર જેમાં ઓછા પ્રમાણમાં સાકર, એલચી-કેશર નાખ્યાં હોય તો તેવી ખીર પાચક અને અનુકૂળ બનશે.

Advertisement

પિત્તપ્રકૃતિનાં વ્યક્તિઓ પણ ઉપર જણાવ્યા તેવા ફળ, ખીર ઉપરાંત દૂધીનો હલવો, ટોપરાપાક જેવી ઘરની બનાવેલી મીઠાઈ ઓછા ગળપણ અને ઓછી ફેટવાળા દૂધનો ઉપયોગ કરી બનાવી ખાય તો વધુ ફેટ-ગળપણથી થતી એસિડીટી, ગોલબ્લેડરનો સોજો, ફેટીલીવર, પિત્તનાં ઝાડા જેવા નાના-મોટા પિત્તસબંધિત રોગની પીડાથી બચી શકે છે.નિયમિત અંતરે ૧૦-૧૨ ગ્લાસ પાણી, વેજીટેબલ સૂપ, સૂરણ, ફળો જેવા ખોરાકમાં બદલાવથી પિત્તનું સંતુલન શક્ય બને છે, જો તેલ, ઘી, માવો, વધુ ફેટવાળા દૂધનો ઉપયોગ ટાળવામાં આવે તો કફ પ્રકૃતિવાળા વ્યક્તિઓ ગરમ નવશેકા સૂપ, કેશર-એલચીવાળું અથવા હળદર ઉમેરેલું દૂધ, મોરૈયો-સાબુદાણાની ઓછા તેલ-ઘી, આદું-મરી ઉમેરી બનાવેલી ખીચડી ખાઈ શકે છે. પરંતુ ક્ગની તકલીફ હોય તેઓએ ઠંડી છાશ, દહીં, દહીંમાંથી બનાવેલું રાયતું, મિલ્કશેક, માવાની મીઠાઈ ન ખાવી. આદું, મરી, તુલસી નાંખી અડધું દૂધ-અડધું પાણી નાંખી ઉકાળીને બનાવેલો ઉકાળો થોડી માત્રામાં સાકર નાંખી પીવાથી કફદોષનું સંતુલન થશે.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!