મોંઘવારી લોકોનો પીછો નથી છોડતી. એક ચીજનો ભાવ ઘટે તો તેની સામે બીજી ચાર ચીજવસ્તુના ભાવ વધી જતા હોય છે. છેલ્લા કેટલાક દિવસોમાં ટામેટાના ભાવમાં રોકેટની જેમ ઉછાળો આવ્યો છે અને હાલમાં શહેરમાં એક કિલો ટામેટાનો ભાવ 100 રૂપિયા સુધી પહોંચી ગયો છે. અમુક દિવસોની અંદર જ ટામેટાનો ભાવ લગભગ ડબલ થઈ જતા ગૃહિણીઓ પરેશાન છે. માત્ર છૂટક બજાર જ નહીં, પરંતુ જથ્થાબંધ બજારમાં પણ ટામેટાનો ભાવ 80 રૂપિયા પ્રતિ કિલો સુધી પહોંચી ગયો છે. ટામેટા ઉપરાંત બટાટા, આદુ, મરચાં અને કોથમીરના ભાવમાં પણ ઉછાળો આવ્યો છે.
હવામાનની બદલાયેલી સ્થિતિ અને વરસાદના કારણે ટામેટાના સપ્લાયને અસર થઈ છે અને ઘણો માલ બગડી ગયો છે.
સપ્તાહની અંદર જ ટામેટામાં લાલચોળ ભાવ વધારો થયો છે. બજારમાં ટામેટાંના ભાવ 24 જૂનના રોજ 20 રૂપિયા પ્રતિ કિલોથી વધીને 25 જૂને 40 રૂપિયા પ્રતિ કિલો થઈ ગયા હતા.સામાન્ય માણસના ખિસ્સા પર ફરી એકવાર બોજ વધ્યો છે. ટામેટાએ ભલભલા લોકોનું બજેટ ખોરવી નાખ્યુ છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ ટામેટાના વધેલા ભાવે લોકોને ચિંતામાં મૂકી દીધા છે. હવે ચિંતા પણ કેમ ન થાય? ટામેટા એક એવું શાક છે, જેના વિના દરેક વાનગી અધૂરી લાગે છે. દરેક વાનગીનું ગૌરવ વધારતા ટામેટા જો આ રીતે આકાશને સ્પર્શે તો સામાન્ય માણસના પેટમાં તેલ નીકળે તે નિશ્ચિત છે.
ટામેટાની આવકમાં મોટો ઘટાડો થયો
હાલ ચોમાસાની શરૂઆત થઈ છે અને અચાનક જ ટામેટાના ભાવમાં વધારો થયો છે. વેપારીઓનું કહેવું છે કે કેટલાક દિવસોથી ટામેટાની આવકમાં મોટો ઘટાડો થયો છે. આવક ઘટતા હોલસેલમાં ટામેટા મોંઘા ભાવે વેચાઈ રહ્યા છે. દુકાનદારો માટે ટામેટાનો ભાવ 70-80 રૂપિયા છે તો તેની સીધી અસર છૂટક બજારમાં પણ જોવા મળી છે અને ભાવમાં વધારો થયો છે.
ટામેટાંના ભાવ કેમ વધ્યા?
વાસ્તવમાં એવા ઘણા કારણો છે, જેના કારણે ટામેટાંના ભાવમાં વધારો થયો છે. પહેલુ કારણ તાપમાનમાં વધારો છે. દેશના ઘણા રાજ્યોમાં છેલ્લા કેટલાક દિવસોથી ખૂબ જ ગરમી પડી રહી છે. બીજું કારણ એ છે કે, આ વખતે ટામેટાંનું ઉત્પાદન ખૂબ જ ઓછા પ્રમાણમાં થયું છે. ટામેટાં ઓછા અને માંગ વધારે છે. ત્રીજું અને સૌથી મોટું કારણ વરસાદનું મોડું આગમન છે. આવા કેટલાક કારણોસર ટામેટાના ભાવમાં અચાનક ઉછાળો જોવા મળી રહ્યો છે. ગયા મહિને જ ટામેટાં રૂ.25 પ્રતિ કિલો સુધી વેચાઈ રહ્યા હતા. પરંતુ જૂન મહિનો આવતાં જ સ્થિતિ વણસી