ગુજરાતમાં હવામાન વિભાગે વધુ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી કરી છે ત્યારે અરવલ્લી જીલ્લાના અનેક વિસ્તારોમાં મેઘરાજાએ ધબધબાટી બોલાવી છે માલપુર-ધનસુરા સહીત આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો ધનસુરા તાલુકાના અમરાપુર ગામનો યુવક વાઘામાં તણાઈ જતા મોત ભેટ્યો હતો ધનસુરાના કનાલમાં વીજળી પડતા 36 ઘેટાં-બકરાનું મોત થતા માલધારી પર આભ તૂટી પડ્યું હતું બાયડ તાલુકાના જીતપુર ગામમાં એક કલાકમાં ચાર ઇંચ વરસાદ ખાબકતા જળબંબાકાર જેવી સ્થિતિનું નિર્માણ થતા ગામલોકો ફફડી ઉઠ્યા હતા મોડાસા શહેર અને તાલુકામાં વરસાદી ઝાપટા પડતા વાતાવરણમાં શીત લહેર પ્રસરી હતી
અરવલ્લી જીલ્લામાં સતત બીજા દિવસે અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો માલપુરમાં બીજા દિવસે મેઘરાજાએ ધબધબાટી બોલાવતા બજારમાં પાણી ઘુસી ગયા હતા બજારમાં પાણી ફરી વળતા 40 થી વધુ દુકાનો બંધ કરવાની ફરજ પડી હતી રોડ-રસ્તા પરથી નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા ગ્રામ્ય વિસ્તારોમાં ખેતરો બેટમાં ફેરવાતા ખેતીને નુકશાન થવાની દહેશતને પગલે ખેડૂતો ચિંતિત બન્યા હતા ધનસુરા પંથકમાં સાંબેલાધાર વરસાદ ખાબકતા મોડાસા-કપડવંજ હાઇવે સહીત બજારમાં પાણી ફરી વળ્યાં હતા અમરાપુર ગામ નજીક વાંઘામાં યુવક ડૂબી જતા ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી કામગીરી હાથધરી હતી
બાયડ તાલુકાના જીતપુર ગામમાં મેઘરાજા કોપાયમાન થયા હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે એક કલાકમાં ચાર ઇંચથી વધુ વરસાદ ખાબકતા જીતપુર ગામમાં અત્ર તત્ર સર્વત્ર વરસાદી પાણી ફરી વળ્યાં હતા રોડ-રસ્તા પરથી નદીઓ વહી હતી નીચાણવાળા વિસ્તરો પાણીમાં ગરકાવ થઈ ગયા હતા તદઉપરાંત ખેતરો બેટમાં ફેરવતા ખેડૂતો સહીત ગામ લોકો ચિંતામાં ગરકાવ થઇ ગયા હતા જીતપુર ગામમાં એક કલાકમાં મેઘગર્જના અને વીજળીના કડાકા-ભડાકા સાથે મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ જોઈ લોકો રીતસર ફફડી ઉઠ્યા હતા