ભારે વરસાદને પગલે બાયડ તાલુકામાં વધુ એક માનવ મોતની ઘટના બની
Advertisement
અસહ્ય ઉકળાટ બાદ શનિવારે ખાબકેલા મુશળધાર વરસાદે બાયડ તાલુકામાં વધુ એક માનવજીંદગીનો ભોગ લીધો છે.
બાયડ તાલુકાના પ્રાંતવેલ ગામે કાચા મકાનની દીવાલ ધરાશાયી થતાં ખાંટ વજાભાઈ પનાભાઈનું મોત નીપજ્યાના અહેવાલ પ્રાપ્ત થયા છે.
વધુ પ્રાપ્ત વિગતો મુજબ બાયડ તાલુકાના પ્રાંતવેલ ગામના ખાંટ વજાભાઈ પનાભાઈ તેમના જ કુટુંબી ભાઈના મકાનની દિવાલ પાસે રાત્રીના સમયે શૌચક્રિયા કરવા ગયા હતા તે સમયે જ બે દિવસથી પડી રહેલા ભારે વરસાદને કારણે કાચા મકાનની દિવાલ ધરાશાયી થતાં તેની નીચે દબાઈ જતાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતાં. દિવાલ પડતાં જ ઘરના સભ્યો જાગી જતાં વજાભાઈને દબાયેલી હાલતમાં જોતાં તાત્કાલિક વધુ સારવાર અર્થે વાત્રક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા પરંતુ ફરજ પરના તબીબે વધુ પડતી ઈજાઓના ઘેર લઈ જવાની સલાહ આપતાં વાત્રકથી પ્રાંતવેલ પહોંચતાં સુધીમાં તો વ્રુદ્ધ વજાભાઈનું અડધા રસ્તે જ મોત નિપજવા પામ્યું હતું. ઘરના વડીલનું મોત નિપજતાં પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું.