હિટ એન્ડ રન સર્જનાર પૈસાદાર નબીરા અને તેના મિત્રોને લોકોએ મોડાસા રૂરલ પોલીસને સોંપ્યા,પોલીસે અંદર અંદર સમાધાન થયાનો રાગ આલાપ્યો
હીટ એન્ડ રનની ઘટના સર્જનાર પૈસાદાર નબીરાએ ઈજાગ્રસ્તના પરિવાર સાથે પૈસાના જોર સમાધાન કરી લેતા મોડાસા રૂરલ પોલીસ લાચાર બની..!!
ચકચારી તથ્ય અકસ્માત ઘટનામાં પોલીસ ફરિયાદી બની અસામાજીક તત્ત્વો સામે એક દાખલો બેસાડ્યો
સાકરીયા હિટ એન્ડ રનની ઘટનામાં સમાધાન થતા હત્યારા તથ્ય જેવા નબીરાને કોણ પેદા કરે છે તે યક્ષ પ્રશ્ન
રાજ્યની પોલીસ ટ્રાફિકના નિયમન માટે રોડ પર ઉતરી છે ત્યારે ઓવરસ્પીડમાં હિટ એન્ડ રનની ઘટના સર્જનાર કાર ચાલક સામે મોડાસા રૂરલ કોઈ દંડાત્મક કાર્યવાહી કેમ ન કરી..??
સદનસીનબે મોડી રાત્રે આનંદપુરામાં બેફામ કાર ઘુસી નહીં તો બાળકો સહીત વોકિંગ કરતા અનેક લોકોનો ભોગ લેવાયો હોત…!!
અકસ્માત સર્જ્યા પછી ચાલક નબીરાઓએ નંબર પ્લેટ પણ કાઢી નાખી હોવાની ચર્ચાઓ ચાલી
Advertisement
અમદાવાદ ઇસ્કોન બ્રિજ ઉપર માલેતુજાર નબીરા તથ્યએ બેફામ લકઝુરિયસ કાર હંકારી દસ નિર્દોષ લોકોનો ભોગ લેનારી અકસ્માતની ગોઝારી ઘટના જેવી ઘટના ગત રાત્રીએ મોડાસા નજીક આનંદપુરા કંપામાં બનતા રહી જતા લોકોએ હાશકારો અનુભવ્યો હતો મોડાસાના સાકરીયા ગામ નજીક બાઈક ચાલકને અડફેટે લઇ હિટ એન્ડ રનની ઘટના સર્જનાર કાર ચાલકે કાર અટકાવવાના બદલે ફુલસ્પીડે હંકારી મૂકી 80ની સ્પીડે આનંદપુરા કંપામાં હંકારી મુકતા રોડ નજીક બેઠેલા લોકો ચોંકી ઉઠ્યા હતા અને કાર બેફામ સ્પીડે કંપાના માર્ગો પર દોડાવતા ભારે ભયનો માહોલ પેદા થતા ગામલોકોએ કારનો પીછો કરી માલપુર રોડ પરથી ઝડપી પાડી મોડાસા રૂરલ પોલીસને કાર ચાલક અને તેના ચાર મિત્રોને સોંપી દીધા હતા હિટ એન્ડ રનની ઘટના બાદ તથ્ય જેવી ઘટના સહેજ માટે બનતા રહી ગઈ હોવા છતાં પોલીસે ફરિયાદ નહીં નોંધાતા પોલીસની કામગીરી પર લોકોએ અનેક સવાલ ઉભા કર્યા હતા સાકરીયા નજીક બાઈકને અડફેટે લેતા બે લોકોને શરીરે ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર અર્થે દવાખાને ખસેડાયા હતા
મોડાસાના આનંદપુરા કંપામાં દરરોજ રાત્રીના સુમારે જમ્યા પછી રોડ રસ્તા પર કંપાના સૌકોઈ રહીશો વોકિંગ કરતા હોવાની સાથે રોડ પર બાળકો પણ વિવિધ રમત રમતા રહે છે સદનસીબે મોડી રાત્રે સાકરીયા નજીક હિટ એન્ડ રનની ઘટના સર્જી ફરાર કાર ચાલકે 70 થી 80ની સ્પીડે કાર કંપામાં ઘુસાડી દેતા તથ્ય અકસ્માત કાંડ જેવી કરુણ ઘટના બનતા સહેજ માટે અટકી ગઈ હતી કાર ચાલકનો આતંક યથાવત રહેતા આનંદપુરા કંપામાંથી કાર ફરીથી માલપુર રોડ પર બેફામ સ્પીડે હંકારી મૂકી હતી પરંતુ કારનો પીછો કરતા આનંદપુરા કંપા સહીત અન્ય લોકોએ માલપુર રોડ પરથી કાર ચાલક નબીરા અને તેના ચાર મિત્રોને ઝડપી લેતા વધુ કોઈ નિર્દોષનો જીવ બચી ગયો હતો બાઈક ચાલક ઈજાગ્રસ્તના પરિવારે બેફામ સ્પીડે અકસ્માત સર્જનાર કાર ચાલક સાથે સમાધાન કરી લેતા અને અમારે કોઈ ફરિયાદ કરવી નથી નું એફિડેવિટ મોડાસા રૂરલ પોલીસ સ્ટેશનમાં આપતા આખરે આવા ગંભીર અકસ્માતની ઘટનાની પોલીસ ચોપડે ફરિયાદ ન નોંધાઈ હોવાની માહિતી પ્રાપ્ત થઇ હતી
આધારભૂત સૂત્રોના જણાવ્યા અનુસાર, ગત રોજ રાત્રીના સુમારે સાકરીયા નજીક પુરપાટ ઝડપે પસાર થતી કારના ચાલકે બાઇકને ટક્કર મારતા હિટ એન્ડ રનની ઘટનામાં બાઈક ચાલક ઈજાગ્રસ્ત થતા લોકો સ્થળ પર દોડી આવ્યા હતા કાર ચાલકે અકસ્માત સર્જી કારને ફુલસ્પીડે હંકારી મૂકી થોડે દૂર આનંદપુરા કંપામાં હંકારી મુકતા ગામના પ્રવેશદ્વાર પર બેઠેલા ગામ લોકો કારની ઝડપ જોઈ ચોંકી ઉઠ્યા હતા કાર ચાલકે કંપાના અંદરના રોડ પર પુરઝડપે હંકારવાનું ચાલુ રાખ્યું હતું અને રોડ પૂરો થતા ખેતરમાં હંકારી પરત હાઇવે તરફ કાર ભગાવતા કંપામાં ભયનો માહોલ સર્જાયો હતો બેફામ બનેલ કાર ચાલક અન્ય કોઈ રાહદારી કે વાહન ચાલકનો ભોગ ન લે તે માટે કંપાના જાગૃત નાગરિકોએ કંપામાં આતંક મચાવનાર કાર ચાલકને ઝડપી પાડવા અન્ય વાહનો મારફતે પીછો કરી માલપુર રોડ પર અટકાવી દીધો હતો કારમાંથી કાર ચાલક અને તેના ચાર મિત્રોને ઝડપી પાડી મોડાસા રૂરલ પોલીસને સોંપી દીધા હતા મોડાસા રૂરલ પોલીસે અકસ્માત સ્થળની તપાસ હાથધરી અને થોભો અને રાહ જોવોની નીતિ અખત્યાર કરતા પૈસાદાર નબીરાએ તેના સંપર્ક સૂત્રો મારફતે ઈજાગ્રસ્ત બાઈક ચાલકના પરિવારજનો સાથે રૂરલ પોલીસ સ્ટેશનમાં સમાધાન કરી લીધું હતું અને પૈસાના જોરે સમગ્ર મામલો રફેદફે કરી દેતા જાગૃત નાગરિકોમાં આવા પૈસાદાર નબીરા સામે પોલીસ ફરિયાદી બની કાયદાનો પાઠ ભણાવેની માંગ પ્રબળ બની છે