પોલિસ અધિકારીઓ અને કર્મચારીઓ ભાવૂક થયા
પોલિસ વડા સંજય ખરાત પર પુષ્પવર્ષા કરીને વિદાય અપાઈ
અરવલ્લી જિલ્લાના શ્રેષ્ઠીઓ, સામાજિક કાર્યકરો, આગેવાનો તેમજ સમાજસેવકો ઉપસ્થિત રહ્યા હતા
ટીમ વર્કથી જિલ્લા પોલિસ તંત્રએ રાજ્યમાં સારી કામગીરી કરી: SP સંજય ખરાત
“રાજ્યના મોટા શહેરોની હરિફાઈમાં નેત્રમને સારી કામગીરીનો અવોર્ડ મળ્યો”
“વ્યવસ્થાના ભાગરૂપે બદલી થઈ છે, લોકોના દિલમાંથી નહીં”
પોલિસ અને વહીવટી તંત્રના સંકલનથી કેટલાય સારા કામ થયા: કલેક્ટર પ્રશસ્તિ પારિક
નાનામાં નાના લોકો અને ફરિયાદીની ચિંતા કરતા પોલિસ વડા સંજય ખરાત : કનુભાઈ પટેલ, પ્રમુખ, ચેમ્બર ઓફ કોમર્સ
હાલમાં જ રાજ્ય સરકારે સીત્તેર જેટલા આઈપીએસ અધિકારીઓની બદલી કરી હતી, જેમાં અરવલ્લી જિલ્લા પોલિસ વડા સંજય ખરાતની પણ ગાંધીનગર ખાતે સીઆઈડી ક્રાઈમમાં બદલી થઈ હતી, જેને લઇને મોડાસા પોલિસ અધિક્ષક કચેરી ખાતે શુભેચ્છા કાર્યક્રમ આયોજિત કરાયો હતો, જેમાં સામાજિક કાર્યકરો, શ્રેષ્ઠીઓ, શિક્ષણવિદો, બિલ્ડરો, ચેમ્બર ઓફિ કોમર્સના આગેવાનો, તબીબો પણ ઉપસ્થિત રહ્યા હતા. જિલ્લા પોલિસ વડા તરીકે ત્રણ વર્ષ જેટલો સમય અરવલ્લી જિલ્લામાં ફરજ બજાવી ઘણાં ભેદ ઉકેલ્યા હતા, એટલું જ નહીં લોકોની વચ્ચે રહી નાનામાં નાના વ્યક્તિની વાત સાંભળનાર પોલિસ વડાની બદલી થતાં શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં યોજાયેલા આ શુભેચ્છા અને વિદાય સમારોહ કાર્યક્રમમાં જિલ્લાના તમામ ઉચ્ચ અધિકારીઓ પોલિસ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
મોડાસા એસ.પી. કચેરી ખાતે આયોજિત કરાયેલા ભવ્ય વિદાય સમારોહમાં પોલિસ કર્મચારીઓની આંખો નમ થઈ હતી. નિષ્ઠાવાન તેમજ સરળતાથી પોલિસ કર્મચારીઓ પાસે કામ લેતા સંજય ખરાતે તેમના કાર્યકાળ દરમિયાન કેટલાય કાર્યો કર્યા છે. ફરિયાદીઓની ચિંતા તેઓ વધારે કરતા અને તેમને કોઈ પણ પ્રકારની અગવળતા ન પડે તેનું પણ તેઓ ખાસ ધ્યાન રાખતા હતા.
અરવલ્લી જિલ્લા ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ કનુભાઈ પટેલે કેટલીક યાદગાર અને હ્રદયસ્પર્શી વાતો લોકો સમક્ષ મુકી હતી, તેમણે જણાવ્યું હતું કે, તેઓ અરજદારની વાત સાંભળતા હતા, તેમનું દુ:ખ હળવું કેવી રીતે થાય અને તે ખુશીથી પરત કેવી રીતે ફરે તે ચિંતા કરતા હતા. આ સાથે જ વરિષ્ઠ પત્રકાર નરેન્દ્ર પટેલ, મોડાસા નગર પાલિકાના પૂર્વ પ્રમુખ સુભાષ શાહે પણ પોતાની વાત લોકો સમક્ષ મુકી હતી.
અરવલ્લી જિલ્લા પોલિસ વડા સંજય ખરાતે પોતાના વક્તવ્ય દરમિયાન અરવલ્લી જિલ્લામાં આત્મહત્યાની ઘટનાઓને ડામવા માટે વહીવટી તંત્ર સાથે રહીને જનજાગૃતિ કાર્યક્રમ શરૂ કર્યા હતા, જેનું સારૂ પરિણામ મળ્યું હતું. તેમણે મોડાસાની જનતાનો આભાર માનતા જણાવ્યું કે, અહીંના લોકો સૌહાર્દથી હળીમળીને રહે છે, તેમણે જણાવ્યું કે, દુનિયામાં શું બબાલ થાય છે લોકો કેમ લડાઈ કરે છે, તેની ચિંતા અહીંના લોકો નથી કરતા, જેથી અહીં વાતાવરણ શાંતિપૂર્ણ રહે છે, જેનો મને ગર્વ છે.
મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેલા જિલ્લા કલેક્ટર પ્રશસ્તિ પારીકે પણ પોતાની વાત રજૂ કરી હતી. વિદાય લેતા પોલિસ વડા સંજય ખરાતને શુભેચ્છા પાઠવી હતી. તેમણે જણાવ્યું કે, સંજય ખરાત તેઓના બેચમેટ હતા જેથી પોલિસ અને વહીવટી તંત્રના સંકલનથી કેટલાય કાર્યો સરળતાથી પાર પાડ્યા છે.
અધિકારીઓ કેટલાય આવે છે અને ક્યારે બદલી કરીને જતા રહે છે ખ્યાલ પણ આવતો નથી, પણ કલેક્ટર, પોલિસ વડા અને જિલ્લા વિકાસ અધિકારી એ લોકોના સીધા સંપર્કમાં રહેતા હોય છે, આવા અધિકારીઓ જ્યારે જનતા માટે કામ કરતા હોય છે ત્યારે જનતા તેમને ક્યારેય ભૂલી શકતી નથી, એટલું જ નહીં અધિકારીઓ અને કર્મચારીઓ પણ યાદ કરતા હોય છે. આજે સાદગી, નિશ્વાર્થ અને નિષ્ઠાવાન વ્યક્તિત્વને લોકોએ માનભેર વિદાય આપતા કોઈ પોતાનું દૂર જતું હોય તેવું અનુભવ્યું હતું.