નિશાકુમારી વડોદરાની પ્રથમ અને સફળ એવરેસ્ટ આરોહક છે. વિશ્વના આ સૌથી ઉંચા અને બરફથી ઢંકાયેલા શિખરના આરોહણ દરમિયાન નિશાને બરફના ઝંઝાવાતી તોફાનનો સામનો કરવો પડ્યો હતો અને હિમ દંશથી તેના બંને હાથની આંગળીઓ ખૂબ ખરાબ રીતે દાઝી હતી.લાંબી અને ખર્ચાળ સારવાર બાદ તેનો ઈજાઓ માંથી ઉગારો થયો હતો.
હજુ પણ હિમાલયના આ આકરા ઘા માંથી એ પૂરેપૂરી સાજી થઈ નથી.ઇજાના નિશાન એણે વેઠેલી દારુણ વેદનાઓની ગવાહી આપે છે.એનું શરીર ભલે હજુ હિમાલયના ઘા થી મુક્ત થયું નથી તેમ છતાં, મક્કમ અને અડગ મન ને હિમાલય નડતો નથી એ ઉકિતને અનુસરીને નિશા વધુ એકવાર ગઢવાલ રેંજના ચારેકોર બરફથી છવાયેલા શિખરોની ગોદમાં પહોંચી ગઈ છે.
યાદ રહે કે વિશ્વમાં સૌથી વધુ ઊંચાઈ ધરાવતા હોય એવા સાત શિખરો છે અને તે જુદા જુદા દેશો અને ખંડોમાં આવેલા છે અને મોટેભાગે બરફની અત્યંત જાડી ચાદર હેઠળ ઢંકાયેલા રહે છે. અઠંગ પર્વતારોહકની અભિલાષા એવરેસ્ટ ઉપરાંત અન્ય ૬ શિખરો સર કરવાની હોય છે જે સેવન પિક સમિટ તરીકે ઓળખાય છે.
નિશા કુમારીની અભિલાષા પણ સ્વાભાવિક રીતે જ એવરેસ્ટથી ઉતરતા ક્રમની ઊંચાઈ ધરાવતા અન્ય 6 શિખરો પર ત્રિરંગો ફરકાવવાની છે. અને આ સાત ઉંચાઈઓ સર કરવાની સિદ્ધિ માટે શરીર અને મનને કેળવવા,આકરો મહાવરો કરવા આ સાહસિક યુવતી હિમાલયની ગઢવાલ રેંજનાં ખોળે પહોંચી ગઈ છે. અત્યારે આ વિસ્તારના શિખરો હજારો ટન બરફના ઢગલા હેઠળ ઢંકાયેલા છે.વાતાવરણ અતિ વિષમ છે.કાતિલ પવનો ચામડી વીંધાઈ જાય એ રીતે વહી રહ્યાં છે.આ બધી વિષમતાઓને ધરાર અવગણીને નિશા કુમારીએ વડોદરાની સડક પર ચાલતી હોય એવી સહજતાથી પ્રેક્ટિસ શરૂ કરી દીધી છે.જાણે કે એ વિશ્વના અન્ય 6 ઉત્તુંગ શિખરોને ‘ મૈ આ રહી હું ‘ નો બુલંદ સંદેશ આપી રહી છે.
ફૌજી પરિવારની આ સાહસિક દીકરી શહેર અને રાજ્યની યુવા પેઢીમાં પર્વતારોહણના સંસ્કારો સિંચવાની ઈચ્છા ધરાવે છે અને તે માટે એવરેસ્ટ બેઝ કેમ્પ આરોહણની તાલીમ શિબિર યોજવાના ચક્રો એણે ગતિમાન કર્યા છે.હિમાલયની ઇજામાંથી શરીર હજુ પૂરેપૂરું મુક્ત થયું નથી પરંતુ એનું મક્કમ મનોબળ એને અન્ય શિખરો સર કરવાની ઉત્તેજના આપે છે.આવી સાહસિકતા જ પર્વતારોહણમાં ઉચ્ચતમ સફળતા અપાવી શકે છે..