અરવલ્લી જિલ્લામાં રસ્તાની માંગ ઘણાં વિસ્તારોમાં હોય છે જોકે આ સમસ્યાના સમાધાન માટે તંત્ર ઉદાસિનતા દાખવતું હોય તેવું લોકચર્ચાએ જોર પકડ્યું છે. માંગ સંતોષાતી ન હોય તો લોકો તંત્રને રજૂઆત કરે છે, પણ તંત્ર લોકોની રજૂઆતોને ધ્યાન લે છે કે નહીં તે કહેવું મુશ્કેલ છે. હાલ ભિલોડા તાલુકાના વાંદિયોલ ગ્રામ પંચાયતે અરવલ્લી જિલ્લા વિકાસ અધિકારીને પત્ર લખીને રોડ બનાવી આપવાની માંગ કરી છે.
વાંદિયલ ગ્રામ પંચાયતના સરપંચ રાહુલ ગામેતીએ જિલ્લા વિકાસ અધિકારીને પત્ર લખીને વાંદિયોલ ગામથી કાદવીયા થઈ દાંતિયા ગામ સુથી નેશનલ હાઈવે નો ડામર રોડ નો જોબ નંબર આપવાની માંગ કરી છે. પંચાયતના સરપંચે જિલ્લા વિકાસ અધિકારીને પત્ર લખીને રજૂઆત કરી છે કે, ત્રણ થી ચાર કિ.મી. નો કાચો રોડ હોવાને કારણે સ્થાનિક લોકોએ હાલાકીઓનો સામનો કરવો પડે છે. શાળા-કોલેજ અને હોસ્પિટલમાં જતા બિમાર દર્દીઓને ખૂબ મુશ્કેલીઓ પડી રહી છે. પત્રમાં એમ પણ ઉલ્લેખ કરાયો છે કે, રસ્તાના અભાવે કેટવીક વાર 108 પણ આવી શકતી નથી. ખાસ કરીને ચોમાસાના સમયમાં વિદ્યાર્થીઓ તેમજ સ્થાનિકોને મુશ્કેલીઓ પડે છે. આ પહેલા ગાંધીનગર તેમજ સ્થાનિક તંત્ર સહિત ધારાસભ્યને રજૂઆત કરવામાં આવી છે જોકે આજદીન સુધી પ્રજાની વાત સાંભળવામાં આવી નથી.
આ પહેલા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે સ્થાનિકો તેમ સરપંચ સહિતના આગેવાનોએ તંત્ર પાસે હાથમાં વાટકો લઇને પાકા રસ્તાની ભીખ માંગી હતી, જોકે હજુ સુધી તંત્રના કાને વાત ન પહોંચી હોય તેવું પણ લાગી રહ્યું છે, જેને લઇને પંચાયતે ફરીથી જિલ્લા વિકાસ અધિકારીને લેખિતમાં રજૂઆત કરી છે.