ગુજરાતમાં છેલ્લા ઘણાં સમયથી નકલી કચેરીઓ મળી આવવાના કિસ્સાઓ સામે આવ્યા હતા, ત્યારે અરવલ્લી જિલ્લાના મોડાસામાંથી પણ એક કચેરી મળી આવી છે, જે શંકાસ્પદ સિંચાઈ વિભાગની નકલી કચેરી હોવાના આક્ષેપો થતાં ખળભળાટ મચી જવા પામ્યો હતો. મોડાસાના માલપુર બાયપાસ થી શામળાજી રોડ પર આવેલી તિરૂપતા રાજ બંગ્લોઝમાં આવેલા એક મકાનમાં અરવલ્લી જિલ્લા પંચાયતની સિંચાઈ વિભાગની કચેરી ચાલતી હોવાનો પર્દાફાશ બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ કર્યો હતો, જોકે હવે આ કચેરી સાચી છે કે, ખોટી તેવા સવાલો ઉઠી રહ્યા છે. ધવલસિંહ ઝાલાએ કહ્યું કે, તેમને શંકા છે કે, આ કચેરી ખોટી છે, પણ સ્પષ્ટતા નથી કરી. આ બાબતે તથ્યો જાણવા તંત્ર કામે લાગી ગયું છે.
માલપુર-બાયડ ના અપક્ષના ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ તેમની ટીમ દ્વારા આશંકાસ્પદ કચેરી પકડી પાડી હતી અને ત્યારબાદ ઉચ્ચ અધિકારીઓને ધ્યાન દોર્યું હતું. મોડાસાના તિરૂપત રાજ બંગ્લોઝમાં આવેલા એક મકાનમાં આ શંકાસ્પદ કચેરી ચાલતી હોવાનું ધ્યાને આવ્યું હતું. તેમણે જણાવ્યું કે ઘણા સમયથી તેઓ આ વોચમાં હતા ત્યારે આ કચેરી મળી આવી છે, જોકે હવે આ કચેરી ખોટી છે કે સાચી કે તે તપાસનો વિષય છે, પણ શંકાસ્પદ સિંચાઈ વિભાગની કચેરીમાંથી અલગ અલગ દસ્તાવેજો તેમજ સિંચાઈ વિભાગના સિક્કા મળી આવ્યા છે. આ સાથે જ તેમણે ઉમેર્યું હતું કે, અહીંથી એમ.બી.બૂક પણ મળી આવી છે, જોકે સમગ્ર મામલે હવે તપાસ શરૂ કરી દેવાઈ છે.
બીજી બાજુ સિંચાઈ વિભાગના કાર્યપાલક ઈજનેર એન. એલ. પરમારે જણાવ્યું કે, ઘણાં સમયથી તેઓ સિંચાઈ વિભાગમાં કાર્યપાલક ઈજનેર તરીકે કાર્યરત છે, તેઓ ઘણીવાર નિવૃત્ત કાર્યપાલક ઈજનેર પી. એમ. ડામોર પાસેથી માહિતી મેળવતા હતા. કેટલીકવાર તેઓ રૂબરૂ અથવાતો ટેલિફોનિક માહિતી લેતા, આવા જ બે કેસ લઇને તેઓ નિવૃત્ત કાર્યપાલક ઈજનેરને ત્યાં આવ્યા હતા. તેમણે જણાવ્યું કે, અહીં સિક્કા મળ્યા છે, તે બાબતે તેઓ કંઈ જાણતા નથી.
ભાડાના મકાનમાંથી અરવલ્લી જિલ્લા પંચાયતની ફાઈલ્સ તેમજ અન્ય દસ્તાવેજોની સાથે કાર્યપાલક ઈજનેરના સિક્કા મળી આવ્યા હતા. અહીં રહેતા નિવૃત્ત કાર્યપાલક ઈજનેર પી.એમ. ડામોરે જણાવ્યું કે, વર્તમાન કાર્યપાલક ઇજનેર બે કામ માટે આવ્યા હતા, અને સિક્કા તેમના સમયથી હોવાનું તેમણે જણાવ્યું હતું. તેમણે ઉમેર્યું કે, નકલી કચેરી કાંઈ નથી. અહીં જે સિક્કા છે તેનો દુરુપયોગ થયો નથી.
મોડાસાની તિરૂપતિ રાજ બંગ્લોઝ ખાતેથી મળી આવેલી શંકાસ્પદ કચેરીને લઇને અરવલ્લી જિલ્લા પંચાયત દ્વારા તપાસ હાથ ધરવામાં આવી રહી છે. આ સમગ્ર ઘટનાને લઇને ડેપ્યુટી ડીડીઓ ડો. અરવિંદ પ્રજાપતિએ જણાવ્યું, સ્થળ પરથી જે સામગ્રી મળી આવી છે, તેનું રોજકામ કર્યું છે અને સાધનસામગ્રી કબજે કરી છે, જેના આધારે ઉચ્ચ કક્ષાએથી કમિટીના આધારે તપાસ હાથ ધરવામાં આવશે. અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતેથી મળી આવેલી શંકાસ્પદ કચેરી મામલે રાજકીય સ્ટંટ હોવાની પણ ચર્ચાઓ પોલિટિકલ ગલિઓમાં ગૂંજતી થઈ છે.
તંત્રને ધ્યાન દોરવા છતાં તંત્રની ચુપકીદી..!!!
બાયડના ધારાસભ્ય ધલવસિંહ ઝાલાએ જણાવ્યું હતું કે, આ બાબતે જિલ્લા કલેક્ટર સહિતના ઉચ્ચ અધિકારીઓનું ધ્યાન દોર્યું હતું, તેમછતાં ધારાસભ્યએ જનતા રેડ કેમ કરવી પડી તે પણ એક સવાલ છે. તંત્રએ કેમ કોઈ નક્કર પગલાં ન ભર્યા ? જો તંત્ર જે-તે સમયે આ બાબતે ગંભીરતા દાખવી હોત તો કચેરી શંકાસ્પદ છે કે, સાચી તે અંગે જાણી શક્યું હોત. પણ તંત્ર પણ નઘરોળ બની ગયું હોય તેમ સ્પષ્ટ લાગે છે.