ગુજરાતમાં ભ્રષ્ટાચાર હવે એટલી હદે વધી ગય છે કે, લોકો પણ કંટાળી ગયા હોય તેવા વીડિય દિવસે ને દિવસે સામે આવતા હોય છે. રાજકોટની આંગકાંડની ઘટના બાદ સરકારે કડક કાર્યવાહી શરૂ કરી છે જોકે આ કાર્યવાહી ક્યાં સુધી ચાલશે તે કહેવું મુશ્કેલ છે પણ હાલ લોકસભાના પરિણામો પછી ભાજપ સરકાર કડક કાર્યવાહી કરી છવી સુધારવાના પ્રયાસોમાં લાગી છે. જોકે રાજ્યના બીજા કેટલાય જિલ્લાઓમાં ભ્રષ્ટાચાર યથાવત હોય તેવું સામે આવ્યું છે. અરવલ્લી જિલ્લા એ.પી.એમ.સી. માં ખુલ્લેઆમ ભ્રષ્ટાચાર સત્તાધીશોએ કર્યાનો આક્ષેપ કિસાન સભાના નેતા ડી.આર.જાદવે કર્યો છે. કિસાન નેતા ડી.આર.જાદવ ગ્રાઉન્ડ ઝીરો રીપોર્ટ પર પહોંચ્યા હતા, જ્યાં શૌચાલય તોડી પાડી દુકાનો બનાવી દીધા છે અને દુકાનોનું વેચાણ કરી દીધાનો આક્ષેપ કરવામાં આવ્યા છે. કિસાન સભાના નેતાએ આક્ષેપો કર્યા હતા કે, સત્તાધીશો અને વહીવટીકર્તાઓ એરકંડીશન ચેમ્બરમાં બેસી રહે છે.
કિસાન સભાના નેતા ડી.આર.જાદવ મોડાસા માર્કેટ યાર્ડમાં પહોંચ્યા હતા, જ્યાં તપાસ કરતા સામે આવ્યું હતું કે, પહેલા જે જગ્યાએ શૌચાલય હતા તે જગ્યા ખુલ્લી કરી દેવામાં આવી હતી અને ત્યાં દુકાનો તાંણી બાંધવામાં આવી છે. એટલું જ નહીં તેમણે સ્પષ્ટ આક્ષેપ કર્યો હતો કે, દુકાનોનું માર્કેટ યાર્ડના સત્તાધીશોએ વેચાણ કરી ભ્રષ્ટાચાર આચર્યો છે. તેમણે આ અંગે અરવલ્લી જિલ્લા રજીસ્ટારને રજૂઆત કરીને સી.આઈ.ડી. ક્રાઈમને તપાસ સોંપવાની માંગ કરી છે.
તો બીજી બાજુ 6 મહિના પહેલા બનાવવામાં આવેલો રોડ ગણતરીના મહિનામાં તૂટી ગયો છે. ડી.આર.જાદવે કહ્યું કે, માત્ર 6 મહિનામાં રોડ તૂટી જતાં અનેક સવાલો ઊઠી રહ્યું છે. રોડ ખેડૂતો તેમજ માર્કેટના દુકાનદારો તેમજ માર્કેટ આવતા ગ્રાહકો માટે બનાવાયો હતો, જોકે સત્તાધીશોએ ભ્રષ્ટાચાર આચરી એ.સી. ચેમ્બરમાં બેસી ગયા છે. તેમણે એમ પણ કહ્યું કે, વેપારીઓમાં એવો ડરનો માહોલ ઊભો કર્યો છે કે, કોઈ વેપારી મગનું નામ મરી પાડવા તૈયાર નથી.
જો કોઈ અધિકારી કે, ભાજપને વિશ્વનું બેસ્ટ શૌચાલય જોવું હોય તો અરવલ્લી જિલ્લાના મોડાસા એ.પી.એમ.સી. ની મુલાકાત લેવી જોઈએ. અહીં પુરુષ અને મહિલાઓ માટેનું અલગથી શૌચાલય બનાવાયું નથી. એટલું જ નહીં દરવાજા વિનાનું અને હલકી ગુણવત્તાનું શૌચાલય ઊભી કરી દેવામાં આવ્યું છે. કોઈપણ આયોજન વિનાના શૌચાલયથી અનેક સવાલો માર્કેટ યાર્ડના સત્તાધીશો અને કામ કરતા અધિકારીઓ પર ઊઠી રહ્યું છે. આવા શૌચાલય થી એક વાત ચૌક્કસ છે કે, સરકારે આવા સત્તાધીશો અને અધિકારીઓને બેસ્ટ કામગીરીનું બિરૂદ આપી સન્માનિત કરવા જોઈએ, જેથી દેશ અને દુનિયામાં ભાજપનો ડંકો વગાડી શકે.
સરકાર વિકાસ કરવા ઈચ્છે છે જોકે ભ્રષ્ટ અધિકારીઓ અને સત્તાધીશો સરકારની કામગીરી પર પાણી ફેરવી દેતા હોય છે, જેને લઇને સરકારની છવી ખરડાતી હોય છે. ભ્રષ્ટાચારના કારણે જ રાજકોટમાં અગ્નિકાંડ થયો છે ત્યારે સરકાર નમતું જોખવા માંગતી નથી અને આવા ભ્રષ્ટ અધિકારીઓને છોડવાના મૂડમાં સરકાર ન હોય તેવું પણ લાગે છે, જોકે મોડાસા માર્કેટ યાર્ડમાં હવે ભ્રષ્ટાચારના આક્ષોપે ઉઠ્યા છે, તે મામલે શું તપાસ થાય છે તે સવાલ છે. હાલ તો મોડાસા માર્કેટ યાર્ડના સત્તાધીશો BEST કામગીરીના બિરૂદની રાહ જોઈ રહ્યા હોય તેવું દેખાઈ રહ્યું છે.