હાલોલ
હિન્દુ ધર્મના પવિત્ર તહેવાર રથયાત્રાને લઈને ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળશે.
રથયાત્રા ઉત્સવ સમિતી દ્વારા હાલોલ નગરમા નીકળનારી રથયાત્રાને લઈને આખરી ઓપ આપવામા આવી રહ્યો છે. કણજરી ખાતે આવેલા રામજી મંદિર ખાતે ભગવાન જગન્નાથજી ભ્રાતા બલભદ્રજી અને ભગીની સુભદ્રાજીની મૂર્તિઓને આકર્ષક અને કલાત્મક શણગાર કરવામાં આવ્યો છે. હાલોલ નગરમાં નિકળનારી ભગવાન જગન્નાથજીની રથયાત્રા રામજી મંદિર કણજરીના મહંત શ્રી રામશરણ દાસજી મહારાજ સહિત અનેક સંતો મહંતોની ઉપસ્થિતિમાં મંદિર ફળિયામાં આવેલા શ્રી છગન મગન લાલજી મંદિરના પ્રાંગણમાંથી બપોરના 3:30 કલાકે આરતી કરીને પ્રસ્થાન કરાવવમાં આવશે. ત્યાંથી ભગવાન રથમાં બેસી ભાઈ બહેન સાથે નગરચાર્ય કરશે. ભક્તો પ્રેમથી ભગવાનનો રથ ખેંચી તેમને નગરના દર્શન કરાવશે.
રથયાત્રા ઉત્સવ સમિતિના પ્રમુખ પરમાંનંદ સોનીએ જણાવ્યું કે, આ ભવ્ય રથયાત્રાને સફળ બનાવવા સનાતન હિતચિંતક તમામ હિન્દૂ મહાનુભાવો અગ્રણીઓ કામે લાગી ગયા છે. તંત્ર દ્વારા ટ્રાફિક વ્યવસ્થા સાંભળવા અંગે પણ આયોજનની બેઠક કરવામાં આવી હતી. માર્ગ મકાન વિભાગ, નગર સેવા સદન અને ગુજરાત વીજ કંપનીનો સ્ટાફ યાત્રામાં કોઈ અડચણ ઉભી ન થાય તે માટે સહકાર આપશે. સમગ્ર શહેરમાં ઠેર ઠેર ભગવાનનું સ્વાગત તથા યાત્રામાં જોડાયેલા ભાવિકોની સેવામાં ઠંડા પાણી, શરબત, કેન્ડી, સોફ્ટ ડ્રીંક, છાસ વગેરે આપવાનું આયોજન પણ છે. સમગ્ર વર્ષ દરમ્યાન નિજ મંદિરમાં બિરાજી ભક્તોને દર્શન આપનાર જગતના નાથ આ એકમાત્ર અષાઢી બીજના પવિત્ર દિવસે ભ્રાતા બલભદ્રજી અને ભગિની સુભદ્રાજી સાથે રથમાં સવાર થઈ નગરમાં ફરી સૌ ભાવિક ભક્તોને દર્શન આપશે.