અરવલ્લી જીલ્લાના મુખ્યમથક મોડાસા શહેરમાં ભૂગર્ભ ગટર યોજનામાં ઠેર ઠેર રોડ ખોદી નાખ્યા બાદ યોગ્ય પૂરણકામમાં કોન્ટ્રાક્ટરે ઘોર બેદરકારી દાખવતા અનેક સ્થળ પર ભુવા પડતા શહેરના માર્ગો પર ખાડારાજ પ્રવર્તી રહ્યું છે ડીપ વિસ્તારના ધુણાઈ માતા ડીપી રોડ પર મસમોટા ભુવા પડતા 48 કલાકમાં ત્રણ વાહનો ઉતરી પડતા લોકોમાં ભારે રોષ પ્રવર્તી રહ્યો છે ભૂગર્ભ ગટર યોજનાનું કામકાજ કરતા કોન્ટ્રાક્ટર કે પછી મોડાસા નગરપાલિકા તંત્ર ભુવા કોઈનો ભોગ લે ત્યારે જાગશેની ચર્ચાએ જોર પકડ્યું છે હાલ તો શહેરીજનો ખાડાનગરી થી તોબા પોકારી ઉઠ્યા છે
મોડાસા શહેરમાં રવિવારે મોડી રાત્રીએ બે કલાકમાં સાંબેલાધાર વરસાદ પડતાં ઠેર ઠેર ખાડાઓમાં પાણી ભરાયા છે અનેક સ્થળ પર ભુવા પડતા વાહનચાલકોના માથે જીવનું જોખમ પેદા થયું છે ડીપ વિસ્તારથી ધૂણાઈ માતા મંદિર ડીપી રોડ પર ભૂગર્ભ ગટર યોજનામાં ખોદી નાંખ્યા પછી કોન્ટ્રાક્ટરે પૂરણકામમાં લોલમલોલ કરતા ગણપતિ મંદિર થી ગોવર્ધન સોસાયટી સુધીનો માર્ગ ભુવામાં પરિવર્તિત થઈ ગયો છે સોમવારે સવારે ખાનગી સ્કૂલની બસ ભુવામાં ખાબક્યા પછી રાત્રીના સુમારે ફાયર ફાયટર ભુવામાં ફસડાઈ પડ્યું હતું તેમ છતાં તંત્ર દ્રારા ભુવાનું યોગ્ય પૂરણ નહીં કરતા બુધવારે સાંજે સ્કૂલવાન ભુવામાં ઉતરી પડતાં વાનમાં રહેલ બાળકોએ બૂમાબૂમ સાથે વાનમાંથી ઉતરી પડ્યા હતા સ્થાનિક લોકો મદદમાં દોડી આવ્યા હતા સ્કૂલવાનને જેસીબીની મદદથી બહાર કાઢી હતી