પુંજરા ફળિયા નજીક બનાવેલ ગરનાળું (ડીપ) પ્રથમ વરસાદમાં ધોવાઈ જતા સ્કૂલવાન ન આવતા બાળકો અભ્યાસથી વંચિત રહેવાનો વારો આવ્યો હતો
અરવલ્લી જીલ્લામાં વિકાસના કામોની કરોડો રૂપિયાની
ગ્રાન્ટમાંથી જીલ્લાનો વિકાસ નહિવત અને અધિકારીઓ, કર્મચારીઓ અને કોન્ટ્રાક્ટરોના ખિસ્સાનો વિકાસ વિપુલ પ્રમાણ માં થઈ રહ્યો છે વિકાસના કામોમાં ભ્રષ્ટાચારની ઉધઈ લાગતા જીલ્લાનો વિકાસ રૂંધાઈ ગયો છે સ્થાનિક રાજકીય પદાધિકારીઓની મિલિભગત ભ્રષ્ટ અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોને છત્રછાયા પૂરી પાડતા હોવાનું લોકો અહેસાસ અનુભવી રહ્યા છે મોડાસા તાલુકાના મુલોજ ગામના નાધરી વિસ્તારમાં પુંજરા ફળિયા અવર જવર માટેના રસ્તા પર વાંધા પર એક મહિના અગાઉ બનાવેલ ગરનાળું વરસાદમાં ધોવાઇ જતા તંત્રનો ભ્રષ્ટાચાર નોંધરો થઈ ગયો હતો ગરનાળાની તપાસ વિજિલન્સ મારફતે કરવામાં આવે તો અનેક અધિકારીઓ, કર્મચારીઓ અને કોન્ટ્રાકટરના પગ તળે રેલો આવી શકે છે
મુલોજ ગામના નાધરી વિસ્તારમાં પુંજરા ફળિયામાં રહેતા લોકો માટે અવર-જવર માટે રામદેવ મંદિર પાસે ચોખલીવાળા વાંધા પર એક મહિના અગાઉ ગરનાળું બનાવવામાં આવ્યું હતું કોન્ટ્રાક્ટરે ગરનાળું બનાવવામાં લોટ લાકડું અને પાણી વાપરતા પ્રથમ વરસાદમાં ગરનાળું ધોવાઇ જતા પુંજરા ફળિયાના લોકો સંપર્ક વિહોણા બન્યા હતા જવાબદાર તંત્રની ધૃતરાષ્ટ્ર નીતિને પગલે સરકારના લાખ્ખો રૂપિયા પાણીમાં વહી જતા લોકોમાં ભારે આક્રોશ પ્રવર્તી રહ્યો છે સતત વરસાદને પગલે ગરનાળું પાણીમાં વહી જતા પુંજરા ફળિયામાં રહેતા પરિવારો છેલ્લાં 24 કલાકથી ભયના માહોલ વચ્ચે સમય પસાર કરી રહ્યા છે કોઈને ઇમરજન્સી સારવારની જરૂર પડે કે પછી પ્રસૂતાને પ્રસવની પીડા ઉપડે તો શું થશેની ચિંતામાં લોકો ગરકાવ થઈ ગયા છે કોન્ટ્રાક્ટરે બનાવેલ તકલાદી ગરનાળાની પોલ પ્રથમ વરસાદે ખોલી નાખી હતી પુંજરા ફળિયાના લોકોએ કોન્ટ્રાક્ટર સામે તંત્ર દ્વારા બ્લેક લિસ્ટ કરવામાં આવે અને ગરનાળાનું સમારકામ કરવામાં આવેની માંગ પ્રબળ બની છે વરસાદે વિરામ લેતા પાણી વિસરતા લોકો થોડો સમય હાશકારો અનુભવ્યા બાદ સોમવારે રાત્રે ફરીથી વરસાદ શરૂ થતાં લોકો ચિંતામાં સરી પડ્યા હતા