મોડાસા શહેરમાં ઠેર ઠેર વરસાદી પાણી ભરાઈ રહેતા મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળો વધવાની દહેશત,દવાના છંટકાવની લોકમાંગ
અરવલ્લી જીલ્લામાં અષાઢના અંતિમ દિવસોમાં મેઘમહેર થતાં લોકોએ હાશકારો અનુભવ્યો છે રાજ્યમાં એક સાથે બે સિસ્ટમ સક્રિય થતાં મોડાસા શહેર સહિત અરવલ્લી જીલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી ઝાપટા રૂપી અને ઝરમર ઝરમર વરસાદ થતાં ખેડૂતો મલકાયા હતા સતત વરસાદી માહોલના પગલે વાતાવરણમાં શીત લહેર પ્રસરી હતી ખેતી અનુરૂપ વરસાદ થતાં ખેતરોમાં લીલી ચાદર છવાઈ હતી ઉપરવાસમાં વરસાદ થતાં ચાર જળાશયોમાં પાણીની આવક વધી રહી છે
મોડાસા શહેરમાં શહેરમાં છેલ્લા ત્રણ દિવસથી મેઘરાજાએ ધામા નાખ્યા હોય તેમ ઝાપટા રૂપી અને ઝરમર ઝરમર વરસાદ પડી રહ્યો છે વરસાદી વાતાવરણને પગલે અસહ્ય બફારા અને ઉકળાટથી શહેરીજનોએ રાહતનો શ્વાસ લીધો હતો શહેરમાં સામાન્ય વરસાદમાં રોડ-રસ્તા પર પાણી ફરી વળતા અને ખાબોચિયા ભરાઈ રહેતા લોકોને પારવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે શહેરમાં ભૂગર્ભ ગટર યોજનામાં ઠેર ઠેર ખોદી નાખેલા રોડ માથાનો દુખાવો સાબિત થઈ રહ્યો છે રોડ પર પાણીના ખાબોચિયા ભરાઈ રહેતા ગંદકીથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે મેઘરજ રોડ,માલપુર રોડ પર આવેલ રત્નદીપ સોસાયટી થી ઋષિકેશ સોસાયટી અને કડિયાવાડા રોડ ખોદી નખાતાં કાદવ કીચડમાંથી શહેરીજનો પસાર થવા મજબૂર બન્યા છે