ટેકનીકલ સોર્સ મારફત દિલ્હી સુધી પગેરૂ મેળવ્યા બાદ આઘાતગ્રસ્ત માતાને હોસ્પિટલ ખસેડ્યાનાં ભાવનાત્મક સંવાદ કરતાં પરત આવ્યાં
બાયડમાં ટ્યુશન ક્લાસ ચલાવતો યુવાન ક્લાસીસ પરથી ગુમ થયા બાદ તેણે વોટ્સએપ સ્ટેટસમાં કોઇ રસ્તો રહ્યો નહીં હોવાનું જણાવતો મેસેજ મુક્યો હતો. તે આત્મહત્યા કરશે તેવી દહેશતથી તેના ભાઇએ બાયડ પોલીસની મદદ માંગી હતી. પોલીસે ગુમ થયેલા ટ્યુશન ટીચરનું ટેકનીકલ સોર્સ મારફત દિલ્હી સુધી પગેરૂ મેળવ્યા બાદ આઘાતગ્રસ્ત માતાને હોસ્પિટલ ખસેડ્યાનાં ભાવનાત્મક સંવાદ કરતાં આ યુવાન આખરે પરત આવી ગયો હતો.
પોલીસ ઇન્સપેક્ટર કે. ડી. ડિંડોરે આ બનાવ સંબંધે જણાવ્યું કે બાયડ શહેરમાં એમકે સ્ટાર બેચ નામથી ટ્યુશન ક્લાસ ચલાવતો પંકજ મહેન્દ્રભાઇ પગી નામનો 27 વર્ષિય યુવાન તારીખ 1નાં રોજ તેના ક્લાસીસ પરથી ક્યાંક ચાલ્યો ગયો હતો. દરમિયાન તેણે પોતાના વોટ્સએપ સ્ટેટસમાં હું માનસીક કંટાળી ગયો છે., હવે કોઇ બીજો રસ્તો રહ્યો નથી, આઇ ક્વીટ જેવા મેસેજ મુક્યા હતાં. તેના નાનાભાઇ કલ્પેશને આ વોટ્સએપમાં મેસેજ જોઇને આત્મહત્યા કરી લેશે તેવો ડર લાગ્યો હતો. કેમ, કે પંકજે ફોન ઉપાડવાનું કે મેસેજના જવાબ આપવાનું પણ બંધ કરી દીધું હતું. જેના પગલે કલ્પેશે પોલીસની મદદ માંગી હતી. જેના પગલે પોલીસ દ્વારા હ્યુમન અને ટેકનીકલ સોર્સને કામે લગાડ્યા હતાં.
દરમિયાન ટાઉન બિટના હેડ કોન્સટેબલ રવીભાઇએ યુક્તિપૂર્વક પંકજને વોટ્સએપ મેસેજ કર્યો હતો. તેમાં લખ્યું હતું, કે તમે કોઇને કહ્યાં વગર ઘરેથી નીકળી ગયાનાં સમાચાર સાંભળીને તમારા માતા બિમાર થઇ જતાં તેમને હોસ્પિટલમાં આઇસીયુમાં દાખલ કર્યાં છે. જેથી તમે તમારી તબીયત સાંચવજો અને તામારા માતા તથા ભાઇ સાથે વાત કરીને તમારી માહિતી આપશો. આ મેસેજ પંકજે વાંચતાં જ તેનો ફોન જોડીને વાત કરી હતી. પરંતુ ત્યારે પણ પંકજે જીવનથી હારી ગયાની વાત કરી હતી. દરમિયાન તેનું દિલ્હીનું લોકેશન મળ્યુ હતું. પરિણામે વાતચીતનો દોર લંબાવીને આત્મઘાતી પગલુ નહીં ભરવા તથા પોલીસ તમારી તમામ મદદ કરશે તેવો ભરોસો આપીને પરત આવી જવા સમજાવ્યા હતાં. પોલીસની ખાતરીના પગલે આખરે આ યુવાન પરત આવી જતાં પોલીસ દ્વારા તેના પરિવાર સાથે મેળાપ કરાવી દેવાયો હતો.