બબ્બે ચોમાસા અને લોકસભાની ચૂંટણી જોઈ ચૂકેલા અરવલ્લી સહીત વલસાડ, છોટા ઉદેપુર અને ડાંગમાં જીલ્લા વિકાસ અધિકારીની જગ્યા લાંબા સમયથી ચાર્જ ઉપર હતી ત્યાં દ્વારકા જીલ્લો પણ ઉમેરાયો છે
વયનિવૃત્તિને કારણે ખાલી જગ્યાઓ ભરવી પડે તેમ હતી એટલે ગઈ 31મી જુલાઈના રોજ ગુજરાતની સરકારે મજબૂરીમાં IAS-IPSની બદલીનો રાઉન્ડ લેવો પડ્યો હતો. મજબુરીની આ બદલીને હજુ માંડ છ દિવસ થયા છે ત્યાં ફરી આજે મંગળવારે દસ જુનિયર કહી શકાય તેવા જોઈન્ટ સેક્રેટરી લેવલના અધિકારોની બદલી કરવામાં આવી હતી. અલબત્ત છ દિવસમાં ટ્રાન્સફરના બે રાઉન્ડ લીધા પછી પણ રાજ્યના ચાર જિલ્લામાં જિલ્લા વિકાસ અધિકારી (DDO)નું રેગ્લયુર પોસ્ટિંગ કરવામાં આવ્યું નથી. એટલે એમ પણ કહી શકાય કે, સત્તા પક્ષ ભાજપ રાજ્યના વહીવટી તંત્રમાં કોને કયાં મુકવા તેની ગડમથલમાં છે, હજુ જોઈએ એવું ગોઠવણ થઈ શકી નથી.
ચોમાસા દરમિયાન જિલ્લા કક્ષાએ ગ્રામ્ય વિસ્તારોમાં DDOઓની ભૂમિકા મહત્વપૂર્ણ હોય છે. તેમ છતાં લોકસભાની ચૂંટણી જોઈ ચૂકેલા અરવલ્લી જિલ્લામાં બે ચોમાસાથી તેમજ છોટા ઉદેપુર, વલસાડ અને ડાંગમાં લાંબા સમયથી જિલ્લા વિકાસ અધિકારીની નિયમિત નિયુક્તિ ન કરીને ગુજરાતની મૃદુ અને મક્કમ સરકાર ચાર્જથી ગાડું ગબડાવી રહી છે. આ ત્રણ જિલ્લામાં DDO મુકવાની વાત તો દૂર રહી પરંતુ આજે કરેલા દસ IAS ઓફિસરના ટ્રાન્સફર ઓર્ડરમાં દરિયાકાંઠાના જિલ્લા દેવભૂમિ દ્વારકામાંથી DDOઓને બદલીને અહીં કોઈને મુક્યા નથી એટલે હવે રાજ્યમાં કુલ ચાર જિલ્લા DDO વિહોણા થઈ ગયા છે.
આજે કરવામાં આવેલા દસ સનદી અધિકાઓની બદલીના હુકમમાં ઉડીને આંખે વળગે તેવું નામ વર્ષ 2012ની બેચના પ્રમોટી IAS સાબરકાંઠાના જિલ્લા કલેક્ટર નૈમિષ એન.દવેનું નામ છે. અગાઉ ગાંધીનગર ખાતે મુખ્યપ્રધાનના કાર્યાલય (CMO)માં ફરજ બજાવી ચુક્યા હોવાને પગલે તેઓ સરકારના પ્રીતિપાત્ર અધિકારી છે. સાબરકાંઠામાં કલેક્ટર તરીકેની કામગીરી દરમિયાન જમીન વિવાદમાં તેમનું નામ અખબારોમાં ચમક્યું હતું. સરકારે તેમને ફરીથી કલેક્ટર તરીકે નોકરી કરવાની ગોઠવણ કરી આપીને વલસાડ જિલ્લામાં મુક્યા છે. IAS એન.એન.દવેની જગ્યાએ ગાંધીનગરમાં સમગ્ર શિક્ષા અભિયાનના સ્ટેટ પ્રોજેક્ટ ડિરેક્ટર વર્ષ 2009ની બેચના ડૉ. મિસ. રતનકંવર એચ. ગઢવીચારણને સાબરકાંઠાના કલેક્ટર તરીકે નિયુક્ત કર્યા છે.
ડેપ્યુટેશનમાંથી ગુજરાત કેડરમાં પાછા આવેલા વર્ષ 2010ની બેચના સુજીત કુમારને ભાવનગરના મ્યુનિસિપલ કમિશનર, ભાવનગરના મ્યુનિસિપલ કમિશનર તરીકે, એન.વી.ઉપાધ્યાયને ગાંધીનગરમાં સહકારી મંડળીઓના રજિસ્ટ્રાર તરીકે, વર્ષ 2011ની બેચના નર્મદા-રાજપીપળા જિલ્લા કલેક્ટર મિસ. શ્વેતા ટિયોતિયાને વડોદરામાં આવેલા રાજ્ય સરકારના જાહેર સાહસ ગુજરાત ઉર્જા નિગમમાં વહીવટી ડિરેક્ટર તરીકે અને તેમની જગ્યાએ પ્રમોટી IAS ગાંધીનગરના DDO એસ.કે.મોદીને મુકવામાં આવ્યા છે. મોદીની જગ્યાએ ગાંધીનગરના DDO તરીકે વર્ષ 2016ની બેચના પ્રમોટી IAS બી.જે.પટેલને પોસ્ટિંગ આપવામાં આવ્યું છે.
વર્ષ 2011ની બેચના પ્રમોટી IAS પોરબંદરના કલેક્ટર કે.ડી.લાખાણીને ગાંધીનગર ખાતે મજુર નિયામક તરીકે મુકવામાં આવ્યા છે. લાખાણીની જગ્યાએ પોરબંદરના કલેક્ટર તરીકે દેવભૂમિ દ્વારકાના DDO વર્ષ 2012ની બેચના પ્રમોટી IAS એસ.ડી.ધાનાણીને મુકવામાં આવ્યા છે. દ્વારકામાં ખાલી પડેલી DDOઓની જગ્યા ઉપર કોઈને પોસ્ટિંગ આપવામાં આવ્યું નથી.
લાંબા સમયથી સાઈડ પોસ્ટિંગ ઉપર રહેલા વર્ષ 2015ની બેચના ડાયરેક્ટ IAS લલિત નારાયણ સીંગ સંડુને ગુજરાત સ્ટેટ હેન્ડલુમ કોર્પોરેશનમાંથી ગાંધીનગરમાં જ સમગ્ર શિક્ષા અભિયાનના સ્ટેટ પ્રોજેક્ટ ડિરેક્ટર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. IAS લલિત નારાયણ પાસે ગુજરાત સ્ટેટ હેન્ડલુમ કોર્પોરેશનનો વધારાનો હવાલો પણ અન્ય કોઈ નિમણુંક ન થાય ત્યાં સુધી રાખવાનો હુકમ કરવામાં આવ્યો છે.