ગોધરા
પંચમહાલ જિલ્લામાં વિધાનસભાના ઉપાધ્યક્ષશ્રી જેઠાભાઈ આહીર (ભરવાડ)ના અધ્યક્ષસ્થાને ઘોઘંબાના કમળાનગર ખાતે ૭૮ માં સ્વાતંત્ર્ય પર્વની જિલ્લાકક્ષાની ભવ્ય ઉજવણી આન,બાન,શાનથી રાષ્ટ્રધ્વજ ફરકાવીને કરાઈ હતી. આ પ્રસંગે તેઓએ રાષ્ટ્ર ઘ્વજને ફરકાવતા ભારતની આઝાદી કાજે પોતાનું સર્વસ્વ અર્પણ કરનાર સ્વાતંત્ર્ય વીરો- સેનાનીઓને નત મસ્તકે વંદન કરીને ઉપસ્થિત સૌ મહાનુભાવો,અધિકારીગણ અને સર્વે બાંધવોને અંતરના ઉમળકાથી ૭૮મા સ્વાતંત્ર્ય પર્વની શુભકામનાઓ પાઠવી હતી. શુભકામનાઓ સાથે જણાવ્યું હતું કે, ૮ મી ઓગષ્ટથી શરૂ થયેલા હર ઘર તિરંગા અભિયાનમાં રાજ્યના કરોડો નાગરિકોએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ દેશપ્રેમની ભાવના પ્રબળ કરી છે. રાજ્યમાં ૪૩ લાખથી વધુ ખેડૂતોને પ્રાકૃતિક ખેતીની તાલીમ આપવામાં આવી છે, તેમાંથી ૯ લાખ ખેડૂતો ૭ લાખ એકરથી વધુની જમીન પર સક્રિય રીતે પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે. તેમણે પંચમહાલ જિલ્લાના વિકાસ કાર્યો અંગે જણાવ્યું કે, વર્ષ દરમિયાન જિલ્લામાં ૯.૪૩ લાખથી વધુ પશુઓનું રસીકરણ તથા ૧૫૪ પશુ આરોગ્ય મેળાઓ થકી ૩૧ હજારથી વધુ પશુઓને સ્થળ પર જ સારવાર અપાઈ છે. જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી હેઠળ ચાલતી પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ અંતર્ગત છેલ્લા ૧ વર્ષમાં પંચમહાલ જિલ્લામાં કૂલ ૧૬,૫૮૧ આવાસો પૂર્ણ કરાયા છે. ૧૨૦.૯૭ કરોડ રૂપિયા લાભાર્થીઓના ખાતામાં સીધા ચૂકવવામાં આવ્યા છે.આ પ્રસંગે જિલ્લા પોલીસ વિભાગની વિવિધ બટાલિયન દ્વારા માર્ચપાસ્ટ રજૂ કરાઈ હતી. વિકાસના કામો અર્થે ઘોઘંબા તાલુકાને રૂ.૨૫ લાખનો ચેક એનાયત કરાયો હતો. જિલ્લાની વિવિધ શાળાઓના બાળકો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરાયા હતા. જિલ્લાના વિવિધ વિભાગના સન્માન પાત્ર અધિકારી-કર્મચારીઓ સહિત જિલ્લાના વિશિષ્ઠ કામગીરી કરેલ નાગરિકોને પ્રશસ્તિ પત્ર આપી નવાજવામાં આવ્યા હતા.આ સાથે ઉપસ્થિતોએ વૃક્ષારોપણ કર્યું હતું.
સ્વાતંત્ર્ય પર્વની જિલ્લા કક્ષાની ઉજવણી વખતે જિલ્લા પંચાયતના પ્રમુખ રેણુકાબેન ડાયરા, સાંસદ રાજપાલસિંહ જાદવ, ગોધરા ધારાસભ્ય સી.કે.રાઉલજી,જિલ્લા કલેક્ટર આશિષ કુમાર,જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડી.કે.બારીયા, જિલ્લા પોલીસ અધિક્ષક હિમાંશુ સોલંકી સહિત પોલીસ જવાનો,અધિકારી, કર્મચારીઓ,જિલ્લાના અગ્રણીઓ,વરિષ્ઠ નાગરિકો સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.