કલકત્તામાં રેસિડેન્સી ડોક્ટર પર બનેલી રેપ અને હત્યાની ઘટનાના પડઘાં સમગ્ર દેશમાં પડ્યા છે ત્યારે ગુજરાતમાં પણ વિવિધ સંગઠનો, મહિલા સંગઠનો દ્વારા આવેદન પત્રો આપવામાં આવી રહ્યા છે, ત્યારે અરવલ્લી જિલ્લા કલેક્ટરને મહિલા અધિકાર મંચ દ્વારા આવેદન પત્ર આપવામાં આવ્યું અને નરાધમને કડકમાં કડક સજા થાય તેવી માંગ કરવામાં આવી હતી. આ સાથે જ સરકારી તેમજ ખાનગી એકમો પર મહિલાઓની સુરક્ષા સુનિશ્ચિત થાય તે માટે પણ માંગ મહિલા અધિકારા મંચ દવરા કરવામાં આવી હતી.
મહિલા અધિકાર મંચ દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર આપતા જણાવ્યું કે, તાજેતરમાં કલકત્તામાં આર.જી કર મેડિકલ કોલેજ અને હોસ્પિટલમા મહિલા ડૉક્ટર સાથે બળાત્કાર અને હત્યાની જઘન્ય ઘટના બની છે જેનો દેશભરમાં વિરોધ થઈ રહ્યો છે ત્યારે ગુજરાતમા આવી કોઈ ઘટના બને નહીં એ માટે અગમચેતી રાખી યોગ્ય પગલાં લેવા જરૂરી છે.
ગુજરાતમા પણ સરકારી કચેરીઓમાં અને સંસ્થાઓમાં સહકર્મી અથવા ઉપરી અધિકારીઓ દ્વારા મહિલા કર્મચારીઓને માનસિક અને શારીરિક ત્રાસ આપવાની ઘટનાઓ બનતી રહે છે આણંદ જિલ્લામાં મહિલા કર્મચારીઓએ ઉપરી અધિકારી દ્વારા શારીરિક અને માનસિક ત્રાસ આપતા હોવાની ફરિયાદ ભૂતકાળમાં કરેલ છે એવી જ રીતે સુરેન્દ્રનગર જિલ્લામાં મેડિકલ ઑફિસર દ્વારા અઘટિત માંગ કરતાં મહિલા કર્મચારીએ આપઘાત કર્યો હતો નવસારીમાં પણ ઉપરી અધિકારીના ત્રાસથી મહિલા કર્મચારીએ આપઘાત કરેલ તાજેતરમાં રાજકોટ જિલ્લામાં પણ છાત્રા ઉપર ટ્રસ્ટી દ્વારા બળાત્કારની ઘટના સામે આવી છે. આવી તો ઘણી ઘટનાઓ બને છે જેમાં ઉપરી અધિકારીઓ દ્વારા મહિલાકર્મીઓને નોકરીમાંથી કાઢી મૂકવાની ધમકી આપી શારીરિક શોષણ કરવામાં આવતું હોય છે, ત્યારે આવી ઘટનાઓ બનતી રોકવા તેમજ મહિલા કર્મચારીઓ નોકરીના સ્થળે પોતાને સુરક્ષિત મહેસુસ કરે એ માટે યોગ્ય વાતાવરણ પૂરું પાડવું એ આપની જવાબદારી છે.
મહિલા અધિકાર મંચની માંગણીઓ
(1) ગુજરાતની દરેક સરકારી કચેરી અને સંસ્થાઓમાં અને અધિકારીઓની ચેમ્બરમાં તેમજ નિર્જન સ્થળોમાં સીસીટીવી લગાવવામાં આવે.
(2) સરકારી કચેરીઓ અને સંસ્થાઓમાં નોકરી કરતાં મહિલા કર્મચારીઓને શારીરિક અને માનસિક ત્રાસ આપનાર કર્મચારી અને અધિકારીઓને નોકરીમાથી બરતરફ કરવા તેમજ ફોજદારી ગુનો દાખલ કરવા તમામ વિભાગોના વડાને આદેશ કરવામાં આવે.
(3) નોકરીના સ્થળે મહિલાઓને અપાતાં માનસિક અને શારીરિક ત્રાસની ફરિયાદોની તપાસનો એહવાલ સીધો મુખ્યમંત્રીશ્રીને મોકલવામાં આવે.