શહેરા,
પંચમહાલ જીલ્લાની શહેરા વિધાનસભાના ધારાસભ્ય જેઠાભાઈ ભરવાડનુ નકલી ફેસબુક એકાઉન્ટ બનાવનાર આરોપીને શહેરા પોલીસે ઉત્તરપ્રદેશના મીરપુર ગામેથી ઝડપી લીધો છે. આરોપીને શહેરા ખાતે લાવીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
દેશભરમા સાઈબર ફ્રોડ ના ગુનાઓને ગુનેગારો અંજામ આપી રહ્યા છે. સામાન્ય માણસની વાત તો ઠીક પણ હવે રાજકીય નેતાઓ પણ તેમનો ભોગ બની રહ્યા છે. પંચમહાલ જીલ્લાની શહેરા વિધાનસભાના ભાજપના ધારાસભ્ય અને ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ જેઠાભાઈ ભરવાડનુ નકલી ફેસબુક એકાઉન્ટ બન્યુ હોવાની વિગત ધ્યાને આવતા આ મામલે શહેરા પોલીસ મથકે આઈટી એક્ટ મુજબ ગુનો નોધાયો હતો. આ મામલ શહેરા પોલીસ દ્વારા તપાસ કરવામા આવી હતી. જેમા તપાસમા આઈપી એડ્રેસ ટ્રેક કરીને ટેકનીકલ એનાલિસીસ કરીને તપાસ કરવામા આવતા આ નકલી ફેસબુક એકાઉન્ટ બનાવનાર આરોપી ઉત્તર પ્રદેશમા હોવાની વિગતો મળી હતી. ત્યારબાદ આ મામલે પીઆઈ રાહુલ રાજપુત અને સર્વેલન્સ ટીમ દ્વારા આરોપીને પકડવાની તજવીજ હાથ ધરવામા આવી હતી. બે દિવસની જહેમત બાદ શહેરા પોલીસ ઉત્તરપ્રદેશના મેરઠ જીલ્લાના મવાના તાલુકાના મીરપુર ગામેથી આરોપી સુશીલ કુમાર અજીતસિંહ ગુર્જરને દબોચી લીધો હતો. પોલીસે આરોપીને શહેરા ખાતે સાથે મોબાઈલ જપ્ત કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.