સમગ્ર રાજ્યમાં નકલીનો ખેલ ચાલી રહ્યો છે. ક્યારેક નકલી કચેરી, નકલી ટોલ, નકલી અધિકારી પકડાતા હોય છે, પણ આના પર ક્યારેય રોક લાગતી હોય તેવું જોવા નથી મળ્યું પણ દિવસ ને દિવસે આવા કિસ્સાઓ વધતા હોય તેવું પણ સ્પષ્ટ લાગે છે. અરવલ્લી જિલ્લામાં પહેલા કથિત સિંચાઈ વિભાગની કચેરી મળી હતી ત્યારે હવે એક નકલી અધિકારી મળી આવતા પોલિસે તપાસનો ધમધમાટ તેજ કર્યો છે. અધિકારી પણ નાનો નહીં પણ ડેપ્યુટી કલેક્ટર છે.
અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાના સાઠંબાના ઈન્દ્રામ પંથકમાં તપાસ અર્થે પોલિસ પહોંચી હતી જ્યાં આરોપી પ્રકાશભાઈ ધીરજભાઈ નાઈ એ પોતે રાજ્ય સેવક ન હોવા છતાં, પોતે SDM (સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ), ડે.કલેક્ટર તરીકેની ઓળખાણ આપી હતી. એટલું જ નહીં બની બેઠેલા નકલી અધિકારીએ તેનું ડુપ્લિકેટ આઈ.કાર્ડ બતાવી જણાવ્યું કે, તે નડીઆદ જિલ્લા સેવા સદન ખાતે વર્ષ – 2022 થી રેવન્યુ વિભાગમાં એ.ડી.એમ. તરીકે ફરજ બજાવે છે. પોલિસને ત્યારે ખ્યાલ આવ્યો કે, જ્યારે સાઠંબા પોલિસ એક ગુના અર્થે તપાસ માટે વિસ્તારમાં ગઈ હતી. જ્યારે તપાસ દરમિયાન આરોપીએ રાજ્ય સેવક ના હોદ્દા ઉપરનું નામ ધારણ કરી પોતે એસ.ડી.એમ. તરીકેની ઓળખાણ આપી હતી.
કેવી રીતે ભાંડો ફૂટ્યો
આ અંગે ટેલિફોનિક વાતચીતમાં જી.એસ.સ્વામી જણાવે છે કે, બે મહિના અગાઉ ઈન્દ્રાણ ગામે રાયોટિંગના ગુન્હા અંગે પોલિસ તપાસ અર્થે ગઈ હતી, ત્યારે પ્રકાશ નાઈએ પોતાની ઓળખાણ એસ.ડી.એમ. તરીકે આપી હતી, ત્યારે પોલિસે ખરાઈ માટે દસ્તાવેજ માંગ્યા. આરોપીએ આઈ.કાર્ડ ની નકલ આપી હતી, જેની ખરાઈ કરવા માટે પોલિસે નડીયાદ મોકલી હતી, ત્યારે નડીયાદ જિલ્લા સેવા સદનથી જવાબ આવ્યો કે, પ્રકાશ નાઈ નામનો કોઈ વ્યક્તિ નથી. પોલિસે ખરાઈ કર્યા બાદ આ શખ્સને પકડવાની તજવીજ શરૂ કરી હતી, ત્યારે ગત મોડી સાંજના સુમારે પોલિસ પેટ્રોલિંગમાં હતી ત્યારે કાળા કાચવાળી ગાડી આવતા ઉભી રાખતા, નામ પૂછતાં, આરોપીએ પોતાની ઓળખાણ એસ.ડી.એમ. તરીકે આપતા, ભાંડો ફૂટી ગયો હતો.
છેલ્લા ઘણાં સમયથી રોફ જમાવતો SDM
પોલિસ અને સ્થાનિક સુત્રો તરફથી મળતી માહિતી મુજબ અનેક મૌખિત ફરિયાદો પોલિસ સુધી પહોંચી હતી કે, એક શખ્સ પોતાની ઓળખાણ એસ.ડી.એમ. તરીકે આપે છે અને રોફ જમાવે છે. જેનાથી લોકો ડરી જતા હોય છે. ત્યારથી જ પોલિસને શક હતો અને પોલિસ આ ઈસમની પકડમાં હતી.
સમગ્ર રાજ્યમાં આ પ્રકારની ઘટનાઓ છાશવારે ઘટતી હોય છે ત્યારે આવા કેટલા નકલી અધિકારીઓ ફરતા હશે તે પણ એક સવાલ છે. નકલી અધિકારીઓ બની કેટલીય જગ્યાએ છેતરપિંડી, રૂપિયા પડાવવા સહિતની ઘટનાઓને અંજામ આપતા હશે. ત્ચારે ઝડપાયેલા શખ્સે રાજ્યના કેટલા વિસ્તારોમાં તેની નકલી ઓળખાણ ડે.કલેક્ટર તરીકેની આપી હશે તે સવાલ છે. એટલું જ નહીં નકલી ડે.કલેક્ટરની ઓળખાણ આપી કેવા કેવા કાર્યો કર્યા હશે તે પણ તપાસનો વિષય છે.
હાલ તો સાઠંબા પોલિસે આરોપી પ્રકાશભાઈ ધીરજભાઈ નાઈ, રહે. ઈન્દ્રાણ, તા.બાયડ. જિલ્લો – અરવલ્લી, હાલ રહે. એ.302, સદગુરૂ લેન્ડમાર્ક, નવા નરોડા, અમદાવાદ વિરૂદ્ધ બી.એન.એસ. કલમ 170, 465, 468, 471 મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી છે.