‘શિક્ષક દિન’ નિમિત્તે સરકારી તેમજ પ્રાઈવેટ શાળાઓના શિક્ષકોની સમસ્યાઓનું સમાધાન કરીને સાચા અર્થમાં શિક્ષકોનું સન્માન કરવા બાબતે અરવલ્લી જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા કલેકટર ને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.
ભારતનું ભવિષ્ય ભારતના વર્ગખંડોમાં ઘડાય છે અને શિક્ષક એ ભાવિનો ઘડવૈયો ગણાય છે. વળી, આપણી ભારતીય સભ્યતા અને સંસ્કૃતિએ ગુરુનો ખુબ જ મહિમા ગયો છે. આવા ગુરુજનો-શિક્ષકોનું સન્માન કરવું અને જાળવવું એ આપણું પરમ કર્તવ્ય છે પણ બહુ દુઃખદ બાબત એ છે કે આજે આ જ શિક્ષકોની હાલત ખુબ જ દયનીય છે, શિક્ષકોના અનેક પડતર પ્રશ્નો અને સમસ્યાઓ છે જેનું નિરાકરણ થતું જ નથી.
શિક્ષણની ગુણવત્તા સુધારવા માટે અને એ થાકી રાષ્ટ્રનિર્માણ માટે ગુજરાતના તમામ સરકારી તેમજ પ્રાઈવેટ શાળાના શિક્ષકો વતી આમ આગમી પાર્ટીએ કેટલીક માંગણીઓ કરી હતી.
પ્રાઇવેટ શાળાના શિક્ષકોને એમની લાયકાત અને પરિશ્રમ અનુસાર સન્માનજનક વેતન મળે એવી વ્યવસ્થા ઉભી કરવામાં આવે અને એનું કડક અમલીકરણ કરાવવામાં આવે. પ્રાઇવેટ શાળાના શિક્ષકોને પણ રજાના યોગ્ય લાભો આપવામાં આવે અને એમના કામના કલાકોનું નિર્ધારણ કરવામાં આવે. સાથે જ
સરકારી શાળાના શિક્ષકોને શિક્ષણ સિવાયના તમામ કામોમાંથી મુક્તિ આપવામાં આવે અને રાજ્યની તમામ સરકારી શાળાઓમાં ખાલી પડેલી શિક્ષકોની જગ્યા તાત્કાલિક ભરીને TAT-TET પાસ બેરોજગાર શિક્ષકોને ન્યાય આપવામાં આવે તેમજ વિદ્યાર્થીઓને પૂરતા શિક્ષકો ફાળવવામાં આવે.
ગુજરાતની તમામ સરકારી સરકારી શાળાઓને પટ્ટાવાળા, સફાઈ કર્મીઓ, ક્લાર્ક અને કોમ્પ્યુટર ઓપરેટર સહિતનો સંપૂર્ણ બિન-શૈક્ષણિક સ્ટાફ પૂરો પાડીને શિક્ષકોને આ કામમાંથી મુક્તિ આપવામાં આવે. ગુજરાતની તમામ સરકારી શાળાના ચિત્ર, સંગીત, વ્યાયામ અને કોમ્પ્યુટર શિક્ષકોની ભરતી કરીને એ ક્ષેત્રના શિક્ષકોને ન્યાય આપવામાં આવે તેમજ બાળકોમાં આ કૌશલ્યાનો વિકાસ કરવામાં આવે.
જ્ઞાન સહાયક યોજના તેમજ પ્રવાસી શિક્ષક યોજના જેવી છેતરપીંડી કરતી યોજનાઓ બંધ કરવામાં આવે. જૂની પેન્શન યોજના લાગુ કરવામાં આવે.ફિક્સ પેની અવિચારી પ્રથા બંધ કરીને શિક્ષકોને પ્રથમ દિવસથી જ કાયમી ગણવામાં આવે.
વર્ષોથી અટકી પડેલી બદલીઓ તાત્કાલિક શરુ કરીને શિક્ષકોને બદલીનો લાભ આપવામાં આવે તેમજ બદલીના નિયમો અને પ્રક્રિયા સરળ તેમજ ઝડપી બનાવવામાં આવે.