હાલ અંબાજી જતાં પદયાત્રીઓનો દાહોદ, પંચમહાલ, મહિસાગર, અરવલ્લી, સાબરકાંઠા તેમજ બનાસકાંઠા જિલ્લાના માર્ગો પર ધસારો જોવા મળી રહ્યો છે, આવા સંજોગોમાં કેટલીયવાર અકસ્માત બનતા હોય છે. પદયાત્રીઓ અકસ્માતનો ભોગ ન બને તેવા પોલિસ અને વહીવટી તંત્ર દ્વારા પ્રયાસો કરવામાં આવતા હોય છે, જોકે કમનસીબે આવી ઘટનાઓ બની જાય છે. અરવલ્લી જિલ્લામાં આવી જ એક ઘટના ઘટી છે, જેમાં ડાલાએ પદયાત્રીઓને અડફેટે લેતા ત્રણ પદયાત્રીઓ ઈજાગ્રસ્ત થયા હતા.
મોડાસા – માલપુર હાઈવે પર સાકરિયા નજીક પીક એપ ડાલુ પસાર થઈ રહ્યું હતું, જ્યાં પીક અપ ડાલાના ચાલકે અચાનક બ્રેક મારતા, ડાલુ પલટી મારી ગયું હતું, જેની અડફેટે આવતા અંબાજી જતાં 3 પદયાત્રીઓ ઈજાગ્રસ્ત થયા હતા. ઘટનાની જાણ થતાં આસપાસના લોકો દોડી આવ્યા હતા, અને તાત્કાલિક એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવતા, એમ્બ્યુલન્સ આવી પહોંચી હતી, અને ઈજાગ્રસ્તોને નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરાયા હાત. સાકરિયા નજીક અકસ્માતનો ભોગ બનેલા પદયાત્રીઓ દાહોજ જિલ્લાના સંજેલી ના છે. ઘટનાની જાણ થતાં મોડાસા ગ્રામ્ય પોલિસની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી, અને વધુ તપાસ હાથ ધરી હતી.
અરવલ્લી જિલ્લા પોલિસ દ્વારા પદયાત્રીઓની સલામતી માટે વન વે માર્ગ કાર્યરત કરાયો છે, જેથી પદયાત્રીઓની સુરક્ષા જાળવી શકાય. આ સાથે જ માલપુર પોલિસ મોડાસા ટાઉન, મોડાસા ગ્રામ્ય, ટિંટોઈ, શામળાજી પોલિસ તેમજ ટ્રાફિક પોલિસ અને હાઈવે ટ્રાફિક પોલિસ દ્વારા પદયાત્રીઓના માર્ગ પર 24 કલાક પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે.