સમગ્ર વિશ્વ ગ્લોબલ વોર્મિંગની સમસ્યાથી ચિંતિત છે, ત્યારે ‘ઝીરો એમિશન’ના મંત્રને ઈ-વાહનો થકી સાકાર કરવા ગુજરાત સરકાર કટિબદ્ધ છે. બેટરી સંચાલિત તેમજ CNG વાહનના ઉપયોગ દ્વારા પ્રદૂષણને ઘટાડી શકાય છે, એટલે તો પ્રદૂષણ ઘટાડવાનો આ સરળ ઈલાજ છે.
આ સ્વપ્નને સાકાર કરવા ગુજરાત સરકારે વર્ષ 2015-16 માં ધોરણ 9 થી કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે બેટરી સંચાલિત ‘દ્વિચક્રીય વાહન માટે નાણાંકીય સહાય યોજના’ અમલમાં મૂકી છે. જે અંતર્ગત અત્યાર સુધીમાં કુલ 53,000 વિદ્યાર્થીઓને આ યોજનાનો લાભ લઈને ઈ-વાહનો ખરીદ્યા છે. જેમાં ગુજરાત ઊર્જા વિકાસ એજન્સી – GEDA દ્વારા અંદાજે રૂ. 56 કરોડથી વધુની સહાય ડારેક્ટ બેનિફિસિયરી ટ્રાન્સફર- DBT દ્વારા ચૂકવાઈ છે, તેમ કલાઈમેટ ચેન્જ વિભાગના મંત્રી મુળુબેરાએ જણાવ્યું હતું.
મંત્રી મુળુ બેરાએ વધુ વિગતો આપતા કહ્યું હતું કે, આ યોજના હેઠળ રાજ્યના નાગરિકોને ઇલેક્ટ્રિક વાહનો પ્રત્યે વધુ જાગૃત અને પ્રોત્સાહિત કરવા ત્રિચક્રીય વાહન પર રૂ. 48હજાર અને દ્વિચક્રીય વાહન પર રૂ. 12 હજારની સહાય DBT દ્વારા સીધા ખાતામાં જમા કરવામાં આવે છે. જ્યારે, દ્વિચક્રી વાહન ચલાવવાનો ખર્ચ માત્ર 20 પૈસા પ્રતિ કિલોમીટર જેટલો જ આવે છે. આ સિવાય ક્રુડ ઓઈલને આયાત કરાતું હોવાથી તેના હુંડીયામણમાં પણ જંગી ખર્ચ થાય છે.આમ કલાઈમેટ ચેન્જની સમસ્યા વચ્ચે બેટરી સંચાલિત વાહનનો ઉપયોગ વ્યક્તિગત ખર્ચ, પર્યાવરણનું જતન અને રાષ્ટ્રહિત એમ તમામ રીતે લાભદાયી છે. વિશ્વભરમાં પર્યાવરણીય સમસ્યાઓને ધ્યાનમાં લેતા અને ઈંધણની વધતી જતી માંગને પહોંચી વળવા આપણે ઈ-વાહનોનો ઉપયોગ વધારવો પડશે, તેમ મંત્રીએ ઉમેર્યું હતું.
ઇલેક્ટ્રિક વાહનોના મુખ્ય લાભ
ઇલેક્ટ્રિક વાહનનો સૌથી મોટો ફાયદો એ છે કે, તે પર્યાવરણને સ્વચ્છ રાખવામાં મદદરૂપ છે. આ વાહનો કાર્બન ડાયોક્સાઇડ અને અન્ય હાનિકારક વાયુઓનું ઉત્સર્જન કરતા નથી ઉપરાંત, ગ્લોબલ વર્મિંગ, હવા તેમજ ધ્વની પ્રદૂષણમાં ઘટાડો કરે છે. પરંપરાગત વાહનોની તુલનામાં વિદ્યુત/ઇલેક્ટ્રિક વાહનોથી પ્રદૂષણ લગભગ શૂન્ય હોય છે, જેનાથી સ્વચ્છ હવા અને સ્વસ્થ પર્યાવરણનો અનુભવ કરી શકાય છે.
સાથે જ ઊર્જાની નોંધપાત્ર બચત, પેટ્રોલ-ડિઝલના વધુ ખર્ચથી મુક્તિ, બેટરી, મોટર કંટ્રોલર, ચાર્જર જેવા ઓછા સ્પેર પાર્ટ્સથી બનેલું હોવાથી ઓછો મેઇન્ટેનન્સ તેમજ મોબાઈલની જેમ બેટરીને ચાર્જ પણ કરી શકાય છે. આ ઉપરાંત બેટરી સંચાલિત દ્વિચક્રીય વાહનના ઉપયોગથી પેટ્રોલની બચત સાથે વાતાવરણમાં કાર્બન ઉત્સર્જન ઓછું કરી શકાય છે.