સાકરિયા નજીક અકસ્માતની ઘટના બાદ વીડિયો વાઈરલ
ટોળાએ ચાલક પર કર્યો હુમલો, મોડાસા ગ્રામ્ય પોલિસ બની મુકદર્શક !
ટોળાના હાથમાં જે આવ્યું તે, લઇને ચાલકને ઢીબી નાખ્યો
ટોળાના હાથમાં પાઈપ, દંડો, લાકડી સહિતના ચીજવસ્તુઓથી માર માર્યો
જો ચાલકને કંઈક થયું હોત તો જવાબદારી કોની ?
ડાલા ના ચાલકે મોટર સાયકલ ચાલકને બચાવવા જતાં પદયાત્રીઓ આવ્યા અડફેટે, ટોળાએ ઢોર માર માર્યો
અરવલ્લી જિલ્લાના મોડાસા માલપુર હાઈવે પર સર્જાયેલા અકસ્માત મામલે મોડાસા ગ્રામ્ય પોલિસે ચાલક વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરી છે, જોકે હવે પોલિસની કામગીરી પર સવાલો ઉઠી રહ્યા છે. મોડાસા – માલપુર હાઈવે પર સાકરિયા નજીક 11 સપ્ટેમ્બરના રોજ સવારના અરસામાં પીક અપ ડાલું પલટી મારતા અકસ્માત સર્જાયો હતો, જેમાં ત્રણ પદયાત્રીઓ ઈજાગ્રસ્ત થયા હતા. સમગ્ર ઘટનાને લઇને મોડાસા ગ્રામ્ય પોલિસે પીક અપ ડાલા નંબર GJ 35 D 3879 ના ચાલક સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી છે, જોકે હવે પોલિસની કામગીરી પર સવાલો ઉઠી રહ્યા છે.
મોડાસા ગ્રામ્ય પોલિસે નોંધાયેલી ફરિયાદ મુજબ ચાલક તેના કબજાનું પીક અપ ડાલા નંબર GJ 35 D 3879 પુરપાટ ઝડપે અને ગફલતભરી રીતે હંકારી સાકરીયા ગામની સીમમાં ત્રણ રસ્તા પાસે આવતા એક મોટર સાયકલ ચાલક અચાનક રોડની વચ્ચેથી નિકળતા તેને બચાવવા જતાં પીક અપ ડાલુ રોડ ઉપર પલટી ખવડાવી રોડની સાઈડમાં ઊભા રહેલા પદયાત્રીઓના સંઘના માણસોને ટક્કર મારી હતી, જેમાં કાળુભાઈ સુનીયાભાઈ ડામોર, શંકરભાઈ નવજીભાઈ નાયક તેમજ ગણપતભાઈ ભુતાભાઈ નાયકને વત્તા ઓછી ઈજાઓ પહોંચી હતી, જેઓની તાત્કાલિક 108 મારફતે સાર્વજનિક હોસ્પિટલ ખસેડાયા હતા, એક વ્યક્તિને માથાના ભાગે ઈજાઓ થતાં ગોધરા સિવિલમાં રીફર કરાયા હતા.
અકસ્માતની ઘટના પછી જે બન્યું તે મોડાસા ગ્રામ્ય પોલિસ અધિકારીને દેખાયું જ ન હોય તેવું અહીં લાગે છે, કારણ કે, હાલ સોશિયલ મીડિયા પર એક વીડિયો વાઈરલ થયો છે, જેમાં એક, બે, ત્રણ નહીં પણ રીતસરનું ટોળુ એક વ્યક્તિ પર તૂટી પડે છે, પ્રાપ્ત માહિતી મુજબ, તે વ્યક્તિને ઢોર માર મારવામાં આવે છે તે, ચાલક હોવાનું જાણવા મળ્યું છે. જેની હાથમાં જે આવ્યું તે, લાકડી, પાઈપ, દંડો વગેરે લઇને ચાલક પર તૂટી પડ્યા હતા. સમગ્ર ઘટનાનો વીડિયો વાઈરલ થયો છે, ત્યારે શું મોડાસા ગ્રામ્ય પીઆઈ ની જવાબદારી નથી કે, હુમલાનો ભોગ બન્યો હોય તો તેની પણ ફરિયાદ લેવી પડે ?
મોડાસા ગ્રામ્ય પોલિસને ઠેર ઠેર હાઈવે પર કટ જોવાતા નથી, જેને કારણે અકસ્માતો થતાં હોય છે, બસ ગાડીઓ દોડાવવી, અને પેટ્રોલિંગ કરવું પણ અહીં તો રીતસરના લોકો ચાલક પર તૂટી પડ્યા છે, જે મોડાસા ગ્રામ્ય પીઆઈને દેખાતું નથી તે સવાલ છે. હવે મોડાસા ગ્રામ્ય પોલિસની કામગીરી પર સવાલો ઉઠશે, કારણ કે, ટોળામાં કેટલાય લોકો સ્પષ્ટ દેખાય છે, જે લોકો ચાલકને ઢોર માર મારી રહ્યા છે.
પોલિસની કામગીરી પર એટલે પણ સવાલો ઉઠી રહ્યા છે કે, ત્યારે પોલિસ શું કરતી હતી જ્યારે ચાલકને માર મારવામાં આવ્યો હતો ? અર્થાત પોલિસ ખૂબ જ મોડી પહોંચી હોઈ શકે, તો જ આ ટોળું બેકાબૂ બન્યું અને રીતસરનું ચાલક પર તૂટી પડ્યું. હવે તો પોલિસ પાસે વીડિયો પણ છે, જોઈએ પોલિસ કેવી કાર્યવાહી કરે છે.