અરવલ્લી જિલ્લામાં માર્ગ-મકાન (પંચાયત) વિભાગમાં કામો કર્યા વિના જ સરકારની તિજોરીમાંથી અધધ 79 લાખ રૂપિયા એજન્સીઓને ચૂકવી દીધા હોવાનું મસમોટું કૌભાંડ પ્રકાશમાં આવતાં ભારે ખળભળાટ મચી ગયો છે.સ્થળ પર કામો થયાં જ નથી અને લાખો રૂપિયા ચૂકવાયા હોવાનો ઘટસ્ફોટ રાજ્ય પંચાયત વિભાગના ઓડિટની તપાસમાં થયો છે. જેસીબીના બદલે અન્ય વાહનો દર્શાવી અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોની મીલીભગતમાં આ સમગ્ર કૌભાંડ આચરવામાં આવ્યું હોવાનો ઓડિટમાં ખુલાસો થયો છે.
ઓડિટ વિભાગે ખુલ્લી પાડેલી સરકારી નાણાંની ઉચાપતની અત્યંત આધારભૂત સુત્રોમાંથી પ્રાપ્ત વિગતો મુજબ, અરવલ્લી જિલ્લામાં માર્ગ-મકાન (પંચાયત) વિભાગ દ્વારા વર્ષ 2015-2016 તથા વર્ષ 2016-2017માં વિવિધ સ્થળોએ રોડ સાઇડના જંગલ કટીંગના, ખાડા પુરવાના, રસ્તા રિપેરીંગના સહિતના ચાલુ મરામતના કામો કરવામાં આવ્યાં હતાં. જેમાં જેસીબી દ્વારા આ કામો હાથ ધરવામાં આવ્યાં હતા તેવો દાવો કરવામાં આવ્યો હતો. જે પેટે સરકારની તિજોરીમાંથી રૂ.79,14,850 જેવી મોટી રકમ જે તે સમયે એજન્સીઓને ચૂકવાઇ પણ ગઇ હતી. પરંતુ વર્ષ 2016-વર્ષ 2017 દરમિયાન ઓડિટમાં આ કૌભાંડનો ભાંડો ફૂટયો હતો. ઓડિટ વિભાગ મુજબ કોન્ટ્રાક્ટરોએ કામો માટે ઉપયોગમાં લીધેલા વાહનોના નંબર દર્શાવ્યા હતા, તેમાં માપપોથીમાં જેસીબી દર્શાવ્યાં હતાં. પરંતુ આરટીઓમાં નોંધાયેલા વાહનોની તપાસ કરી તો હીરો હોન્ડા બાઇક, બોલેરો જીપ, ઇનોવા, સુઝુકી એક્સસ, મારૂતિ ઝેન, પીયાગો રિક્ષા, અતુલ રિક્ષા, સ્પ્લેન્ડર બાઇક, રિક્ષા, ટીવીએસવીગો, પ્લેઝર, એક્ટીવા જેવા વાહનો નીકળ્યાં હતા. આ વાહનોથી રસ્તા રીપેરીંગ, મરામતના કામો થઇ જ ન શકે. સરકારની આંખોમાં ધૂળ નાખવા માટે કાગળ પર અલગ- અલગ 12 વખત જેસીબીનો ઉપયોગ કર્યો હોવાનું જણાવી લાખો રૂપિયાની રકમ સરકારમાંથી સેરવી લીધી હતી. ત્યારે ભ્રષ્ટાચારીઓની આ મોડસ ઓપરેન્ડીથી સરકાર પણ ચોંકી ઉઠી હતી. દેખીતી રીતે સરકારી નાણાંની ઉચાપત થયાનું ખૂલ્યા બાદ સરકારે કાર્યવાહી હાથ ધરી હતી. બીજી તરફ જવાબદારો સામે પગલાં ભરવાના બદલે છેલ્લા સાત-આઠ વર્ષથી સરકારી નાણાંની
વસૂલાતની કામગીરી ઠેબે ચઢાવી કોન્ટ્રાક્ટરોને, એજન્સીઓને છાવરવાની પ્રવૃત્તિ ચાલી રહી હોવાની ફરિયાદો ઉઠી છે. એજન્સી-કોન્ટ્રાક્ટરોએ સ્થળ પર ઉપયોગમાં લીધેલા વાહનોના રજિસ્ટ્રેશનની ભારત સરકારની મીનીસ્ટ્રી ઓફ રોડ ટ્રાન્સપોર્ટ એન્ડ હાઇ-વે વિભાગની વેબસાઇટ પર ઓનલાઇન ચકાસણી કરતાં માપપોથી-બિલમાં નોંધેલા વાહનનો પ્રકાર અને આરટીઓ દ્વારા નોંધાયેલા વાહનના પ્રકારમાં તફાવત જણાતાં સમગ્ર કૌભાંડ ઉજાગર થયાની ઓડિટ વિભાગે નોંધ મૂકી છે. બીજી તરફ અરવલ્લી જિલ્લા પંચાયત માર્ગ-મકાન (પં.)ના કાર્યપાલક ઇજનેર મનીષ સોલંકીનો ટેલિફોનીક સંપર્ક કરાતાંતેમણે ફોન ઉપડવાનું ટાર્યું હતું પ્રાપ્ત માહિતી અનુસાર એજન્સીઓને ત્રણ વર્ષ માટે બ્લેક લિસ્ટ કરેલી છે તેવી વાત જાણવા મળી હતી