રાજ્ય સરકાર દ્વારા હાલ સેવા સેતુ કાર્યક્રમ યોજી રહ્યું છે, જોકે આ કાર્યક્રમ, એ કાર્યક્રમ નહીં પણ તાયબો સાબિત થતું હોય તેવું લાગી રહ્યું છે. સરકાર સારા ઈરાદાથી આવા કાર્યક્રમોની જાહેરાતો કરતું હોય છે પણ તેનું આયોજન અથવા તો અમલ તો સ્થાનિક તંત્ર કરાવું હોય છે, પણ અહીં તો તંત્ર સદંતર નિષ્ફળ સાહિત થતું હોય તેવું સ્પષ્ટ લાગે છે. અરવલ્લી જિલ્લાના મોડાસા મામલતદાર કચેરીના પુરવઠા વિભાગમાં માત્ર એક કે બે ઓપરેટરથી રેશન કાર્ડ ઈ-કેવાયસી ની કામગીરી ચાલી રહી છે, જેને લઇને અરજદારોને હાલાકીઓનો સામનો કરવો પડતો હોય છે.
સોમવારના દિવસે તો પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ રેશન કાર્ડ ઈ-કેવાયસી માટે આવી પહોંચ્યા હતા, અહીં તો શાળાના ગણવેશ સાથે બાળકો પુરવઠા વિભાગની લોબીમાં કતારમાં નજરે પડ્યા હતા, જેને લઇને લોકોમાં પણ એક આશ્ચર્ય સર્જાયું હતું કે, મોટા તો ઠીક હવે તો બાળકો પણ પરેશાનીઓ ભોગવી રહ્યા છે. સરકાર દ્વારા હાલ રેશનકાર્ડમાં ઈ-કેવાયસી ફરજીયાત કર્યું છે, જ્યારે બીજી બાજુ શાળામાં વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ માટે ફોર્મ ભરવાના હોઈ ઈ-કેવાયસી કરવું જરૂરી છે, જેને લઇને સરકારી પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓઓ પણ હાલાકીઓ ભોગવવી પડી હતી. મોડાસા મામલતદાર કચેરીના પુરવઠા વિભાગની બહાર કતારમાં વિદ્યાર્થીઓ બેઠેલા જોવા મળ્યા હતા.
અરવલ્લી જિલ્લાના એક ઉચ્ચ અધિકારીને પૂછતાં….
મોડાસા મામલતદાર કચેરીના પુરવઠા વિભાગ બહાર બાળકોની લાંબી કતાર અંગે જિલ્લા સેવા સદનના ઉચ્ચ અધિકારીને આ બાબતથી અવગત કરાયા હતા, જેની સામે તેમણે કહ્યું કે, શું કરૂ, આખા રાજ્યનો પ્રશ્ન છે. સાહેબ, આખા રાજ્યનો પ્રશ્ન છે, તે વાત વ્યાજબી છે, પરંતુ તમે બાળકોને આવી રીતે નીચે બેસાડી રાખો તે પણ વ્યાજબી નથી ને… ? જ્યારે સર્વર યોગ્ય રીતે કામ કરે ત્યારે બાળકો માટે અલાયદી વ્યવસ્થા કરીશું તેવું તમારા મોંઢે આવવું જોઈએ નહીં કે, આખા રાજ્યનો પ્રશ્ન છે..
અરવલ્લી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા હાલ સેવા સેતુ કાર્યક્રમ યોજવામાં આવી રહ્યા છે તો, શાળાના વિદ્યાર્થીઓએ શા માટે મામલતદાર કચેરીએ પહોંચવું પડે છે ? શું અરવલ્લી જિલ્લા વહીવટી તંત્ર બાળકો માટે એક વ્યવસ્થા ઊભી નથી કરી શકતું કે શું ? જો તમે બાળકો માટે પણ યોગ્ય વ્યવસ્થા ન કરી શકો તો, લોકો માટે તો શું કરવાના ?