દુધ મંડળીમાં 60 પરિવારોને દુધ ભરવા દેવાથી વંચિત રખાતા રોષ
અરવલ્લી જિલ્લાના માલપુર તાલુકાના ભેમપોડા ગામે દુધ મંડળીનો વિવાદ વકરતા, મામલો કલેક્ટર કચેરી સુધી પહોંચ્યો છે. સભાસદોએ મોડાસા કલેક્ટર કચેરી ખાતે રજૂઆત કરી હતી. મોટી સંખ્યામાં સભાસદો કલેક્ટર કચેરીએ રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા. જિલ્લા કલેક્ટરને રજૂઆત કરતા લખ્યું કે, ભેમપોડા દુધ ઉત્પાદક સહકારી મંડળી રજી. ન. સે.દુ. 18398 તથા કોડ નં. 869/9માં ચાલતા આપખુદશાહી વહીવટી તેમજ ગેરરિતી બાબતે તપાસ કરવી, આ સાથે જ 22-09-2024 ના રોજ ભેમપોડા સેવા સહકારી દુધ મંડળીમાં નવીન નિમણૂક કરેલ ચેરમેનની ઉપર તાત્કાલક અસરથી મનાઈ હુકમ કરવો.
માલપુર તાલુકાના ભેમપોડા દુધ મંડળીમાં ચાલતા ગેરવહીવટ તેમજ આપખુદશાહીની રજૂઆત કરવા માટે સભાસદો મોટી સંખ્યામાં કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા હતા. ભારે રોષ ઠાલવતા સભાસદોએ નારાજગી વ્યક્ત કરી હતી. ગ્રામજનોએ જણાવ્યું કે, વર્ષ 1978 થી ભેમપોડામાં દુધ ઉત્પાદક સહકારી મંડળી કાર્યરત છે. દુધ મંડળીમાં એકહથ્થું શાસન ચાલે છે, કોઈ હિસાબ બતાવવામાં આવતો નથી. કામનો કોઈ એજન્ડા હોતો નથી અને માત્રને માત્ર ભ્રષ્ટાચાર આચરવામાં આવતો હોવાનો આક્ષેપો સભાસદોએ કર્યા હતા. એટલું જ નહીં જુની કમિટી બરખાસ્ત કરીને બારોબાર નવી કમિટી બનાવી દેવામાં આવી છે. સભાસદોનોએ એ પણ આક્ષેપ છે કે, નવી કમિટી બનાવીને 60 પરિવારોનું દુધ લેવામાં આવતું નથી.
તો બચુભાઈ ખાંટનું કહેવું છે કે, તેમણે લોન લીધી હતી, ડેરી એ લોકનના પૈસા કાપી લીધા અને બેંકમાં પૈસા ન ભરતા, હવે બેંકમાં પૈસા બાકી બોલે છે, ડેરીના સત્તાધિશો ભ્રષ્ટચાર આચરતા હોવાનો ખુલ્લો આક્ષેપો કર્યા હતા.
આ સાથે જ ગ્રામજનોએ કલેક્ટર કચેરીએ આપેલા આવેદન પત્રમાં રજૂઆત કરતા જણાવ્યું છે કે, 21-09-2024 ના રોજ કહેવાતા સેક્રેટરી તેમજ તેમના મળતિયાઓએ સભાસદોને બળજબરીપૂર્વક ધાક ધમકી આપીને બધાને જણાવેલ કરે, આ મારા બાપની દુધ મંડળી હોવાથી તમારા લોકોએ મારી દુધ મંડળીમાં દુધ ભરાવવા આવવાનું નથી તેમજ તમારા કોઈનું દુધ મારી દુધ મંડળીમાં લેવાનો નથી.
ભેમપોડા દુધ મંડળીમાં ચાલતા ગેરવહીવટી અને ભ્રષ્ટાચારની બૂમો વચ્ચે મોટી સંખ્યામાં સભાસદો કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા, અને જિલ્લા કલેક્ટરને રજૂઆત કરી હતી. આ સાથે જ તેમણે માંગણીઓ કરી છે કે, ભેમપોડા દુધ મંડળીમાં ચાલતા ભ્રષ્ટાચાર અંગે યોગ્ય તપાસ થવી જોઈએ, દુધ મંડળીમાં આવતી સામાન્ય તેમજ સાધારણ સભાઓની મીટિંગ અંગેનો અહેવાલ તેમજ એજન્ડાની તપાસ, સભાસદોને આપવામાં આવતા દુધના પોષણક્ષમ ભાવ તેમજ વાર્ષિક બોનસની આસપાસના વિસ્તારની દુધ મંડળીઓ કરતા વિસંગતતા ભર્યા જણાઈ આવે તો તપાસ થવી જોઈએ. ભેમપોડાના સભાસદોએ કુલ 16 મુદ્દાઓ સાથે જિલ્લા કલેક્ટર અને જિલ્લા રજિસ્ટારને આવેદન પત્ર આપી રજૂઆત કરી હતી. સભાસદોએ કરેલા આક્ષોપે સામે કેવી તપાસ થાય છે તે જોવું રહ્યું.