અરવલ્લી જિલ્લાના ભિલોડામાં સવારથી વિદ્યાર્થીઓનો વિરોધ જોવા મળ્યો હતો. મઉ ટાંડા ગામે રહેતા અને ધોરણ 12 સાયન્સ માં ભિલોડાની પ્રેરણા સ્કૂલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીના મોતને લઇને વિદ્યાર્થીઓમાં રોષ જોવા મળી રહ્યો છે. વિદ્યાર્થીઓએ આક્ષેપો કર્યા હતા કે, શાળા શાળાના શિક્ષક વિદ્યાર્થીને ટોર્ચર કરતા હતા, જેને લઇને આ પગલું ભર્યું છે. થોડા દિવસ પહેલા ભિલોડા તાલુકાના ભવનાથ મંદિર પાસેના ઈન્દ્રાશી ડેમમાંથી એક વિદ્યાર્થીનો મૃતદેહ મળી આવ્યો હતો, ત્યારબાદ પોલિસે તપાસ હાથ ધરી હતી, જોકે હવે વિદ્યાર્થીઓએ સતત વિરોધ કરી રહ્યા છે.
અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકાના,મઉ ટાંડા ગામ ના ધોરણ 12 મા અભ્યાસ કરતા વિદ્યાર્થીના આપઘાત મામલે,ભિલોડા નગરની પ્રેરણા સ્કૂલના વિદ્યાર્થીઓ માં ભારો ભાર રોષ જોવા મળ્યો હતો. સતત બીજા દિવસે પણ વિદ્યાર્થીઓ આક્રમક મૂળમાં જોવા મળ્યા હતા. ભિલોડા નગરના ઇડર – શામળાજી હાઇવે પર વિદ્યાર્થીઓ ના સમૂહ એ ચક્કાજામ કરી વિરોધ નોંધાવ્યો હતો. વિદ્યાર્થીને ટોર્ચર કરનાર શિક્ષક સામે કાર્યવાહી કરવાની માંગ સાથે ભારે સુત્રોચાર કરી વિદ્યાર્થીઓ એ રોષ ઠાલવ્યો હતો. વિદ્યાર્થીઓ ના પ્રદર્શન દરમિયાન, મૃતક વિદ્યાર્થી ના પિતા પણ ચક્કાજામ સ્થળે પહોંચ્યા અને ન્યાય ની માંગ કરી હતી.
વિદ્યાર્થીના મોતને લઇને રવિવારના દિવસે મોટી સંખ્યામાં સ્કૂલના વિદ્યાર્થીઓ ભિલોડા પોલીસ સ્ટેશન ખાતે રજૂઆત કરવા પહોંચ્યા હતા. રવિવારે પણ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓમાં ભારે રોષ જોવા મળ્યો હતો અને પોલિસ સ્ટેશન બહાર સુત્રોચ્ચાર કર્યા હતા. વિદ્યાર્થીઓની ઉગ્ર માંગ હતી કે,જ્યાં સુધી શિક્ષકને ફરજ મુક્ત કરવામાં ન આવે ત્યાં સુધી, વિદ્યાર્થીઓ અભ્યાસ થી દૂર રહેશે.
બે દિવસ પહેલા વિદ્યાર્થીનો મૃતદેહ મળી આવ્યો હતો, જેને લઇને પોલિસે તપાસ હાથ ધરી છે, જોકે હજુ પોલિસની તપાસ ક્યાં સુધી પહોંચી છે, તે અંગે ચોક્કસ જાણી શકાયું નથી, પણ હાલ તો પોલિસની તપાસ વચ્ચે વિદ્યાર્થીઓમાં ભારે વિરોધ અને નારાજગી જોવા મળી રહી છે.